આ વખતે વેકેશનની ટુરમાં તમને આવો અનુભવ થયો હતો? ટ્રાવેલ એજન્ટે બતાવેલા બ્રોશરમાં કે વેબસાઇટ્સ પર હોટેલ રૂમ્સના સરસ મજાના ફોટોગ્રાફ્સ જોઈને ખુશીથી મોંઘુંદાટ બુકિંગ કરાવી લીધું હોય અને ખરેખર જ્યારે મુસાફરી પછી થાક્યાપાક્યા હોટેલ પર પહોંચો અને રૂમમાં દાખલ થાવ એટલે સમજાય કે આના કરતાં તો આપણા ઘરનો બેડરૂમ સરસ છે! એ કમાલ સરસ ફોટોગ્રાફીની અને ખાસ કરીને લાઇટિંગ ઇફેક્ટ્સની છે.
ઓકે, તમારી સાથે આવું થયું હોય તો અફસોસ કરવાની જરૂર નથી, તમે પણ તમારા ટુરના ફોટોગ્રાફનું એવું સરસ ટચિંગ કરી શકો છો કે જેને બતાવો એ તમારી ફોટોગ્રાફીનાં વખાણ કરવાં કે તમારી ઇર્ષા કરવી એ નક્કી કરી ન શકે (આવું મેરેજનાં આલ્બમમાં ખાસ બનતું હોય છે!)
આમ તો ઇન્ટરનેટ પર અનેક પ્રકારનાં ફોટો ઇમ્પ્રૂવમેન્ટ સોફ્ટવેર કે સાઇટ્સ ઉપલબ્ધ છે. ગૂગલના પિકાસામાં પણ તમે ઘણું બધું કરી શકો છો અને ચાહો તો તેમાં વધુ ઊંડા ઊતરીને પિકનિક સોફ્ટવેરની ખૂબીનો પણ લાભ લઈ શકો છો. એડોબનો ફોટોશોપ પ્રોગ્રામ આ બાબતમાં સૌથી આગળ રહે છે, પણ એ બધાને સુલભ હોય નહીં અને હોય તો એનો ઉપયોગ ઠીકઠીક મુશ્કેલ પણ છે. (તમને કદાચ યાદ હશે કે અગાઉ આપણે ફોટોશોપના ઓનલાઇન ફ્રી વર્ઝન (www.photoshop.com)ની વિગતવાર વાત કરી હતી. આ સાઇટની ફરી મુલાકાત લઈને યાદ તાજી કરી લેવા જેવી છે કેમ કે એમાં નવી નવી ખૂબીઓ ઉમેરાઈ છે).

હોમપેજ પર તમે જોશો તેમ, બે વિકલ્પ આપેલા છે સીધા ઓનલાઇન એડિટરમાં જાઓ અથવા ફોટોગ્રાફને રીટ્રો વિન્ટેજ ઇફેક્ટ્સ આપવી હોય તો ત્યાં પહોંચો. પિક્સલરની ખરેખર બે નહીં પણ પાંચ સર્વિસ છે. એક છે એડિટર, જેમાં ફોટોશોપ જેવી જ પાર વગરની ખૂબીઓ અને સગવડો સમાયેલી છે. બીજી સર્વિસ છે પિક્સલર એક્સપ્રેસની, નામ પ્રમાણે ફોટોગ્રાફમાં ફટાફટ ઇફેક્ટ્સ ઉમેરવી હોય તો એ કામ અહીં થઈ શકે છે. ત્રીજી સર્વિસ પિક્સલરઓમેટિક છે, જ્યાં જઈને તમે તમારા ફોટોગ્રાફને જુદા જુદા કલર ટોન, ઇફેક્ટ્સ કે બોર્ડર વગેરેથી સજાવી શકો છો. ચોથી સર્વિસ ગ્રોબરની છે, જે ફાયરફોક્સ અને ક્રોમ માટેનું એક્સટેન્શન છે. એક વાર ઇન્સ્ટોલ કરી લો પછી કોઈ પણ સાઇટ પરના ફોટોગ્રાફ પર રાઇટ ક્લિક કરીને તેને ડાઇરેક્ટ પિક્સલરમાં લઈ જઈ એડિટ કરી શકો! પાંચમી સર્વિસ, તમારા આ કારીગરી કરેલા ફોટોગ્રાફને મિત્રો, સ્વજનો સાથે શેર કરવાની છે.
બધી ઓનલાઇન સર્વિસની જેમ, પિક્સલર પર તમે તમારા કમ્પ્યૂટરમાંથી કોઈ પણ ફોટોગ્રાફ અપલોડ કરીને તેના પર કામ કરી શકો છો અને પછી ફરી તમારા કમ્પ્યૂટરમાં સેવ કરી શકો છો. પિક્સલર એડોબ એર પ્રોગ્રામ પર આધારિત છે અને સંપૂર્ણ પણે ફ્લેશમાં બનેલો પ્રોગ્રામ છે. તમારા કમ્પ્યૂટરમાં ફ્લેશ પ્લેયર હશે જ એટલે વાંધો નહીં આવે, પણ જો ન હોય તો એક વાર ફ્લેશ ડાઉનલોડ કરવું પડશે, જે આ સાઇટ પરથી જ થઈ શકશે (જોકે પિક્સલરના કહેવા પ્રમાણે હવે ૯૮ ટકા કમ્પ્યૂટરમાં ફ્લેશ હોય છે. તમે ‘લાખોમાં એક’ હો તો જ તકલીફ!)
પિક્સલરઓમેટિક પ્રોગ્રામ તમે ડાઉનલોડ કરીને ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ચલાવી શકો છો. જોકે તેમાં ફીચર થોડાં ઓછાં થઈ જાય છે. પિક્સલર ફેસબુક, આઇફોન અને આઇપેડ કે એન્ડ્રોઇડ ડિવાઇસમાં પણ એપ્લિકેશન તરીકે ઉપલબ્ધ છે.
જો તમે પહેલી જ વાર ફોટોગ્રાફ પર ‘કંઈક’ કરવા જઈ રહ્યા હો તો શરૂઆત પિક્સલર એક્સપ્રેસ કે પિક્સલરઓમેટિકથી કરજો. એમાં તમને ફટાફટ રીઝલ્ટ જોવા મળશે. દિમાગ અને આંગળીઓ થોડાં ટેવાઈ જાય પછી એડિટરના દરિયામાં ઝંપલાવજો.
તમારા ફોટોગ્રાફમાં આંખોમાં ફ્લેશનું ટપકું આવી ગયું હોય તો એ દૂર કરવાની સગવડ તો છે જ, સાથોસાથ દાંતને થોડા વધુ ચમકાવવાની સગવડ પણ આમાં છે. જોકે એ ખરેખર ધીરજવાળાનું કામ છે!
No comments:
Post a Comment