Sunday, September 30, 2012

Sunny Leone : મારી સાસુ મારી ઓળખ આપતાં ક્ષોભ અનુભવતાં (કભી કભી)



નામ : સની લિયોન
જન્મ : તા.૧૩ મે ૧૯૮૧જ
ઉંમર : ૩૧ વર્ષ
રાષ્ટ્રીયતા : કેનેડિયન/અમેરિકન
જાતિ : પંજાબી
ઊંચાઇ : ૫ ફૂટ ૪ ઇંચ
પતિ : ડેનિયલ વેબર
કુલ એડલ્ટ ફિલ્મસ : ૩૮ (એક્ટ્રેસ તરીકે)
દિગ્દર્શન : ૩૯ એડલ્ટ ફિલ્મો
'જિસ્મ-૨' પછી એડલ્ટ ફિલ્મની એકટ્રેસ સની લિયોન હવે ઇમેજ બદલી શકશે?
પોર્ન ફિલ્મ એકટ્રેસ તરીકે જાણીતી 'જીસ્મ-૨' ની હિરોઇન સની લિયોનની આ અધિકૃત ઓળખ છે. તેની વેબસાઇટ પર મુકાયેલી માહિતી અનુસાર તે બિઝનેસ વૂમન છે, મોડલે છે. કેનેડા, અમેરિકા ઉપરાંત હવે ભારતીય નાગરિકત્વ પણ ધરાવે છે. ૨૦૦૩માં તેને 'પેન્ટ હાઉસ' મેગેઝિનની 'પેટ' તરીકે જાહેર કરવામાં આવી હતી. વિવિધ એન્ટરટેઇનમેન્ટની પોર્ન ફિલ્મોની તે કોન્ટ્રાક્ટ સ્ટાર રહી ચૂકી છે. ૨૦૧૦ વર્ષની ટોપ ૧૦ પોર્ન ફિલ્મોમાં તેના પોર્ન અભિનયવાળી 'મેક્સિમ' ફિલ્મ પણ હતી. સની લિયોનનો જન્મ સાર્નિયા, ઓન્ટેરિયો ખાતે થયો હતો. તેના માતા-પિતા શીખ-પંજાબી છે. તેના પિતાનો જન્મ તિબેટમાં થયો હતો અને ઉછેર દિલ્હીમાં થયો હતો. તેની માતા સિરપુર, હિમાચલ પ્રદેશની હતી. માતાનું અવસાન થયેલું છે. લિયોનનું બચપણ કેનેડાના કાતીલ શિયાળાની કડકડતી ઠંડીમાં વીતેલું છે. કેનેડામાં તે આઇસ સ્કેટિંગ કરતી હતી. બચપણથી તેને ગાવાનો અને ડાન્સ કરવાનો શોખ હતો. તે એથલેટ પણ હતી. સ્ટ્રીટસમાં છોકરાઓ સાથે હોકી પણ રમતી હતી.
તે શીખ પરિવારનું ફરજંદ હોવા છતાં લિયોનને કેથલિક સ્કુલમાં દાખલ કરવામાં આવી હતી. પબ્લિક સ્કૂલ છોકરાઓ માટે સલામત નથી તેમ માનીને તેને કેથલિક સ્કૂલમાં મોકલવામાં આવી હતી. પરંતુ અહીં માત્ર ૧૧ વર્ષની વયે તેને પ્રથમ ચુંબન પ્રાપ્ત થયું હતું. ૧૬ વર્ષની વયે એક બાસ્કેટ બોલ પ્લેયર દ્વારા બીજી સ્કૂલમાં તેણે કૌમાર્ય ગુમાવ્યું હતું. ૧૮ વર્ષની વયે તેને લાગ્યું કે તે બાયસેક્સુઅલ છે. તેને છોકરીઓ અને છોકરા બેઉ ગમતા હતા. તે પછી તેનું પરિવાર કેનેડા છોડી અમેરિકા ચાલ્યુ ગયું હતું. અમેરિકામાં કેલિફોર્નિયાના મીશીગન ખાતેના ફોર્ટ ગ્રેટિઓટ ખાતે વસવાટ કર્યો હતો. ૧૯૯૯માં સ્કૂલનો અભ્યાસ પૂરો કરી તે કોલેજમાં દાખલ થઇ હતી.
પોર્નફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેણે જર્મન બેકરીમાં નોકરી કરી હતી. દરમિયાન તેણે પેડિયાટ્રીક નર્સનો અભ્યાસક્રમ ચાલુ કર્યો હતો. અહીં ભણતાં ભણતાં તે એક એક્સોટિક ડાન્સર કે જે તેનો ક્લાસમેટ હતો તેના સંપર્કમાં આવી હતી. એણે જહોન સ્ટિવન્સ નામના એજન્ટ સાથે મુલાકાત કરાવી હતી. એણે જે એલન નામના 'પેન્ટહાઉસ' મેગેઝીનના ફોટોગ્રાફર સાથે તેનો પરિચય કરાવ્યો હતો. એ પછી તેણે નગ્ન તસવીરો અને ફિલ્મો માટે મોડેલ કે એક્ટ્રસે તરીકે કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો. સની તેનું અસલી નામ છે પરંતુ લિયોન 'પેન્ટ હાઉસ' મેગેઝિનના પૂર્વ માલિક બોબ ગુચિઓને આપેલું નામ છે. 'પેન્ટહાઉસ'માં પ્રગટ થયેલી તેની પહેલી જ તસવીર બાદ તેને 'પેન્ટ હાઉસ પેટ' તરીકે નવાજવામાં આવી હતી. તે પછી માર્ચ ૨૦૦૧માં તેણે 'હસલ' નામના પોર્ન મેગેઝિન માટે નગ્નમુદ્રામાં તસવીર આપી હતી. એ મેગેઝિને તેને 'હસલર હની' ના બિરુદથી નવાજી હતી. તે પછી તે 'ચેટી', 'મિસ્ટીક', 'હાઇ સોસાયટી', 'સ્વાન્ક' 'લેગ વર્લ્ડ' અને 'લો રાઇડર' જેવા મેગેઝિનોમાં તેના ખૂબસૂરત જિસ્મથી છવાઇ ગઇ ગઇ.
૨૦૦૬ પછી તેણે 'વિવિડ એન્ટર ટેઇન્ટમેન્ટ' નિર્મીત પોર્ન ફિલ્મોમાં કામ કરવા કોન્ટ્રાક્ટ કર્યો હતો. હવે તે 'સંપૂર્ણ પોર્ન ફિલ્મ સ્ટાર બની ગઇ. પહેલી ફિલ્મમાં તેણે એક લેસ્બીયન યુવતીનો રોલ કરવા હા પાડી હતી.તેની પ્રથમ પોર્ન ફિલ્મનું નામ 'સની' હતું તે પછીની પોર્ન ફિલ્મનું નામ 'વર્ચુઅલ વિવિડ ગર્લ : સની લિયોન' હતું. આ ફિલ્મે બેસ્ટ ઇન્ટરેક્ટિવ ડીવીડીનો 'એવીએન એવોર્ડ' અપાવ્યો હતો. ૨૦૦૭માં તેણે પહેલી જ વાર એ જ કંપનીની એક પોર્ન ફિલ્મ માટે એક પુરુષ સાથે કેમેરા સમક્ષ આવવા હા પાડી હતી, પણ પુરુષ તેની પસંદગીનો યુવાન હતો. તે તેનો તે વખતનો ફિયાન્સ હતો. તેનું નામ મેટ એરિક્સન હતું. ફિલ્મનું ટાઇટલ હતું : 'સની લવ્સ પેટ' તેના કેટલાક સમય બાદ તેણે મેટ એરિક્સનનો છોડી દીધો હતો. તે પછી તેણે ટોની ગન, ચાર્લ્સ ડેટા, જેમ્સ ડીન, અને વુડુ નામના બીજા પુરુષ એકટર્સ સાથે પોર્ન ફિલ્મોમાં કામ કર્યું. એ પછી સની લિયોને પોતે જ પોર્ન ફિલ્મોનું નિર્માણ કરવા નિર્ણય લીધો હતો. તેણે ડેનિયલ વેબરની સાથે રહી એક સ્ટુડિયો પણ ઊભો કર્યો. એણે પોતે જ પોર્ન ફિલ્મો લખવાની, દિગ્દર્શન કરવાની અને એડલ્ટ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પોતાની બ્રાન્ડ ઊભી કરવાનો નિર્ણય લીધો. તેની પહેલી પોર્ન ફિલ્મ "ધી ડાર્કસાઇડ ઓફ ધી સન" હતી. ૨૦૦૭માં વિશ્વની ટોપ ૧૦૦ પોર્ન એકટ્રેસીસની યાદીમાં લિયોનને ૧૩મો નંબર મળ્યો હતો. તે પછી તે ફોક્સના રિયાલીટી શો માં આવી. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે એવો ઇશારો કર્યો કે, "બોલિવૂડમાં કામ કરવા હું ગંભીરતાથી વિચારુ છું." ડાયરેકટર મોહિત સુરી તેને ફિલ્મ "કલયુગ" માં લેવા માંગતા હતા પણ લિયોને એક્ટિંગ કરવા માટે એક મિલિયન ડોલર માંગતા દિગ્દર્શકે ના પાડી. ૨૦૦૯ની સાલમાં "નો મોર બુશ ગર્લ્સ" નામની ફિલ્મમાં પ્રેસિડેન્ટ બુશનો વિરોધ કરતા દૃશ્યો માટે તેણે નગ્ન દૃશ્યો આપ્યાં. તેણે બરાક ઓબામા માટે પ્રચાર કર્યો.
૨૦૧૧માં તે ભારતના રિયાલીટી શો "બિગ બોસ" માં આવી. કેટલાક લોકોએ કલર ટી.વી. સામે પોર્નોગ્રાફીનો પ્રચાર થતો હોવાની ફરિયાદ કેન્દ્ર સરકારને કરી. ભારતની ટીવી ચેનલ પર એક પોર્ન સ્ટાર આવી છે તે જાણતાં જ બે દિવસમાં તેની ફેસ બુક પર હજારો ફોલોઅર્સ ઊભા આવી ગયા. આ સમય દરમિયાન દિગ્દર્શક મહેશ ભટ્ટ 'બિગ બોસ' માં પ્રવેશ્યા અને તેમણે લિયોનને 'જિસ્મ-૨' ફિલ્મમાં લીડ રોલની ઓફર કરી.
સની લિયોન હાલ હોલિવૂડ, કેલિફોર્નિયામાં રહે છે. તેની પાસે Audi A 5 કાર છે. ડેનિયલ વેબર સાથે તેણે લગ્ન કર્યું છે.
સની લિયોને ‘Eye Weekly' નામના મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂ દરમ્યાન કહ્યું હતું કે, હું શીખ પ્રણાલિકાઓને જાળવી રાખી રહી છું. પણ તે થિયરીમાં પ્રેક્ટિસમાં નહીં ! હું દર મંદિરે ધાર્મિક સ્થળે જતી હતી. પણ મારા માતા-પિતાને પણ ખ્યાલ આવી ગયો હતો કે હું સ્વતંત્ર વિચારની છોકરી છે. જો તેમણે મને રોકવા કોશિશ કરી હોત તો તેમણે તેમની દીકરી ગુમાવી હોત. હું બહુ સખ્ત મિજાજની છું. હું મારી કારકિર્દીને આગળ ને આગળ લઇ જવા માંગુ છું." સની લિયોન કહે છે : 'મારું પરિવાર હું જેવી છું તેવી જ રીતે મને સ્વીકારે છે અને ચાહે છે. કોઇ માતા-પિતા તેના બાળક પ્રત્યેની ચાહત બંધ કરી શકે નહીં. હા, હું પોર્નોગ્રાફી ચાલુ રાખુ તેમ તેઓ ઇચ્છતા નથી. પણ હું તેમને મારી યોજનાઓ બતાવું છું અને કહું છું કે હું જે કામ કરું છું તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. હું તેમને કહું છું કે, હું અત્યંત સુખી છું, જે તમે પણ ઇચ્છો છો."
તાજેતરમાં જ તેણે મુંબઇના એક અંગ્રેજી અખબાર સાથેની મુલાકાતમાં કહ્યું : "હું જે છું તે છું. હું જાણું છું કે, ઇમેજની ચિંતા કરવાવાળાઓને હું એક પોર્ન સ્ટાર લાગુ છું પરંતુ એક એડલ્ટ એકટ્રેસ હોવા બદલ મને કોઇ જ શરમ નથી. હું જે કાંઇ કરું છું તેનો મને કોઇ ક્ષોભ નથી. બોલિવૂડની "જિસ્મ-૨" ફિલ્મ પછી એવા લોકો મને એડલ્ટ મૂવી સ્ટારના બદલે બોલિવૂડ એકટ્રેસ તરીકે વધુ સ્વીકારશે. ડેનિયલ વેબર સાથે લગ્ન બાદ મારી સાસુ તેમનાં મિત્રોને મારી ઓળખ આપતા ક્ષોભ અનુભવતાં હતા. હું એ વાત પણ જાણું છું કે એડલ્ટ મૂવી સ્ટારના લેબલથી જલદી છુટકારો મેળવવો મુશ્કેલ છે, પણ હવે હું બીજી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરવાની છું.'
સની લિયોને તાજેતરમાં જ તેના પતિ ડેનિયલ વેબર સાથે મુંબઇ આવી હતી. એક ફાઇવ સ્ટાર હોટલના બેન્કવેટ હોલમાં અનેક કેમેરામેન તેની તસવીરો લેવા બે કલાકથી રાહ જોઇ રહ્યા હતા. તેના પતિ સાથે હાથમાં હાથ પરોવીને આવી હતી. એ વખતે એણે કહ્યું હતું : "મારામાં બિઝનેસ કરવાની ટેલન્ટ પહેલેથી જ હતી, એક મિત્રએ મને એડલ્ટ ફિલ્મ ઉદ્યોગ સાથે પરિચય કરાવ્યો હતો. મને તેમાં તક દેખાઇ. ત્યારે મને એ જ વિચાર આવ્યો હતો કે, "શું પૈસા બનાવવા માટે આ બધું જ કરવાનું ?"
સની લિયોનને ભલે એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમાં પણ તેણે એવોર્ડસ મેળવ્યા છે.તેનો પતિ ડેનિયલ વેબર અત્યંત સમજદાર પુરુષ અને ગિટારવાદક છે. તેઓ સ્કૂલમાં ભણતાં હતાં ત્યારથી એકબીજાને ચાહતા હતા. ડેનિયલ કહે છે : "મહિનાઓ સુધી હું લિયોનને ફૂલ મોકલતો રહ્યો તે પછી તે મારી સાથે ડેટ પર આવવા સંમત થઇ હતી. ડેનિયલ વેબરનું પરિવાર રૂઢીચુસ્ત યહૂદી છે. ડેનિયલ કહે છે : "મારા લિયોન સાથે લગ્ન થયાં ત્યારે મારી માની ફરિયાદ હતી કે હું મારી સખીઓને મારી પુત્રવધૂ કોણ છે તે કહી શકતી નહોતી પરંતુ હવે 'જિસ્મ-૨' ફિલ્મ પછી બધું બદલાઇ જશે એમ હું માનુ છું"
સની લિયોન કે જેનું અસલી નામ કરેન મલ્હોત્રા છે, તે કહે છે : "જિસ્મ-૨ એ પોર્ન ફિલ્મ નથી. મારે જ્યાં જ્યાં દેહ ઢાંકવો પડે ત્યાં ત્યાં મેં કવર અપ કર્યું જ છે."
અલબત્ત, આ વૃતાંત વાંચ્યા પછી 'જિસ્મ-૨' કોઇ શ્રેષ્ઠ ફિલ્મ છે તેમ સમજવાની જરૂર નથી. તેના પોસ્ટરો વિવાદાસ્પદ છે અને મહેશ ભટ્ટ સની લિયોન જેવી પોર્ન સ્ટારને કલાકાર બનાવી કમાણી કરી લેવા માંગે છે. સાથે-સાથે પૂર્વ અને પાશ્ચાત સંસ્કૃતિની આડબીડમાં અટવાયેલી એક ભારતીય સ્ત્રી તેની ઇમેજ બદલવા મથી રહી છે.
- દેવેન્દ્ર પટેલ

રાતનાં અંધારામાં ઈદગાહ મેદાનમાંથી ચીસ ઊઠી (કભી કભી)



માધુરીએ મિની સ્કર્ટ પહેરેલું હતું. ઉપર સ્લીવલેસ ટોપ પહેર્યું હતું. તે એના બોય ફ્રેન્ડ રંજીતના વિશાળ બાહુઓને સ્પર્શતાં બોલીઃ ''તમે મારી સમીપ હો છો ત્યારે આખી દુનિયા મારી મુઠ્ઠીમાં છે એમ મને લાગે છે.''
રંજીતે માધુરીનો હાથ હટાવતાં કહ્યું: ''પણ મને એમ લાગતું નથી. તું મારાથી દૂર જઈ રહી હોય એમ લાગે છે. પ્રિતમ મારો જીગરી દોસ્ત છે પણ જે દિવસે મેં તને પ્રિતમ સાથે જોઈ છે ત્યારથી મને લાગે છે કે, મારી માધુરી મારી નથી.''
માધુરીએ કહ્યું : ''રંજીત, તું ખોટી અસલામતી અનુભવે છે. તેં જ તો પ્રિતમ સાથે મારી ઓળખાણ કરાવી હતી. પ્રિતમ મારી સાથે થોડું ઘણું બોલે છે એથી વધુ કાંઈ નથી. તને ના ગમતું હોય તો હવેથી તેને નહીં મળું.''
રંજીતે જોયું તો માધુરીની આંખમાંથી નરી લાગણી જ પ્રગટ થતી હતી. એણે દર્દભર્યા સ્વરે કહ્યું: ''રંજીત, તું કેટલો બદલાઈ ગયો છે ? મને તો શક થવા લાગ્યો છે કે તું કોઈ બીજીના પ્રેમમાં તો નથી ને ?''
''ના, એવું કાંઈ જ નથી, માધુરી ! એ વાત સાચી છે કે, પ્રિતમ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો, પણ હવે નથી. એણે તારી પર નજર બગાડીને ઠીક કર્યું નથી'' : એટલું જ કહીને રંજીત ખામોશ થઈ ગયો.
થોડીવાર સુધી બેઉ મૌન થઈ ગયા. પણ માધુરીએ જોયું તો રંજીતના ચહેરાના ભાવ બદલાઈ રહ્યા હતા. એના ચહેરા પર રેખાઓ તંગ થવા લાગી હતી. આંખોમાં ક્રોધ ઉભરાતો હતો. રંજીતે મુઠ્ઠીઓ કસતાં કહ્યું: ''માધુરી, હું પ્રિતમને હંમેશાં આપણી જિંદગીમાંથી હટાવી દેવા માંગુ છું.''
માધુરી બોલીઃ'' હું કાંઈ સમજી નહીં. તું એની સાથે શું કરવા માંગે છે ? પ્લીઝ, એવું વિચારીશ પણ નહીં.''
રંજીત બોલ્યો : ''માધુરી, તું મને કેટલું ચાહે છે ?''
''તારા માટે જાન પણ આપી દેવા તૈયાર છું.''
''જાન આપવાની જરૂર નથી. હું જે કરવા માંગુ છું તેમાં મને સાથ આપ. હવે જે થવાનું હોય તે થાય, હું પ્રિતમને પતાવી જ દઈશ. એણે મારી સાથે દગો કર્યો છે.''રંજીત બોલ્યો.
માધુરી બોલીઃ ''હું તારી સાથે છું, રંજીત તું જે કહે તે કરવા તૈયાર છું.''
- અને રંજીતે ધીમેથી તેના મિત્ર પ્રિતમને ખત્મ કરી નાંખવાની યોજના માધુરીને સમજાવીઃ ''કાલે સાંજે કોઈ પણ બહાનું કાઢીને તું પ્રિતમને ઈદગાહ મેદાનમાં લઈ આવ. અંધારું થયા પછી જ તું એને લઈ આવ. તું કહીશ એટલે તે તારી સાથે આવશે જ કારણ કે એ તારી પર પાગલ થઈ ગયો છે. બાકીનું કામ હું પતાવી દઈશ.''
માધુરીએ રંજીતના હોઠ ચૂમી લેતાં કહ્યું: હું તૈયાર છું. ગમે તે રસ્તે હું પ્રિતમને કાલે રાત્રે ઈદગાહ મેદાનમાં લઈ આવીશ.''
રંજીત બોલ્યો : ''આજે મને હાશ થઈ. હવે મને વિશ્વાસ બેસી ગયો કે માધુરી મારી જ છે.''
એ પછી રંજીતે પણ માધુરીને ચૂમી લીધી. રંજીત બોલ્યો : ''માધુરી, તું મારી સાથે હોય તો પ્રિતમને પણ ભગવાન પણ બચાવી શકશે નહીં.'' બેઉ અંધારામાં એકબીજાને બાજી રહ્યાં. રાત વહી ગઈ. બીજો દિવસ થયો. બીજા દિવસની રાત પણ વહી ગઈ. દુમકા શહેરના ઈદગાહ મેદાન પર પણ રાતના ઓળા છવાઈ ગયા. રાતના અંધારામાં માધુરી પ્રિતમને લઈને આવી પહોંચી.ત્રણ આકૃતિઓ મળી. દૂર દૂર કૂતરાં ભસી રહ્યા હતા. એક હળવી ચીસ ઉભરી અને શાંત થઈ ગઈ. એક આકૃતિ ઢળી પડી. બે આકૃતિઓ રવાના થઈ ગઈ. ઈદગાહ મેદાનમાં ઢળી પડેલી લાશનું લોહી પણ જમીનમાં ઊતરતું ગયું. બીજા દિવસે સવારે ઈદગાહ મેદાનમાં એક અજાણી લાશ નિહાળી. દુમકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. પોલીસ જીપ આવી પહોંચી. પોલીસે જોયું તો ઓઈલ મિલની પાછળ આવેલા ઈદગાહ મેદાનમાં ૨૦-૨૧ વર્ષની વયના એક યુવાનની લાશ પડી હતી. મૃતકના દેહ પર ભુરા રંગનું જીન્સ અને સફેદ ટી-શર્ટ હતું. ખિસ્સામાં અલ્ટો કારની ચાવી હતી. બીજા ખિસ્સાંમાંથી પાકીટ મળ્યું. તેમાં મરનારનું વાહન ચલાવવાનું લાઈસન્સ હતું. લાઈસન્સ પર નામ અને સરનામું લખેલું હતું : ''રંજીતકુમાર, ૭એ, બિરસા મુડા એન્કલેવ, દુમકા દક્ષિણ. પોલીસે મરનારના નામ, સરનામા પ્રમાણે તપાસ મોકલી. મરનારના પિતા પરમેશ્વર કુમાર આવી પહોંચ્યા. તેમણે પુત્ર રંજીતની લાશ ઓળખી કાઢી. તેઓ ત્યાં જ ભાંગી પડયા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. પોલીસ રંજીતના પિતા સ્વસ્થ થાય તેની રાહ જોવા લાગ્યા. રંજીતના મૃતદેહની અંતિમવિધિના બીજા દિવસે પોલીસે પુછપરછ શરૂ કરી. પરમેશ્વરકુમારે કહ્યું : ''બનાવની સાંજે મારા પુત્ર રંજીતે મને કહ્યું હતું કે તે તેના દોસ્તના ઘેર જાય છે.''
''રંજીતના દોસ્ત કોણ કોણ હતા ?''
''રંજીતનો સહુથી કરીબ દોસ્ત પ્રિતમ હતો.''
પોલીસે પરમેશ્વર કુમાર પાસેથી પ્રિતમનું સરનામું લીધું. પ્રિતમ તેના પિતા સાથે દમકાની ઉપવન સોસાયટીમાં રહેતો હતો. પોલીસે બારણું ખટખટાવ્યું. દરવાજો ખૂલ્યો. ઘરમાં પ્રિતમના પિતા શ્રીરામ ચૌધરી અને તેમનાં બહેન જુગનુ ચૌધરી હાજર હતા. પોલીસને જોઈ તેઓ સ્તબ્ધ થઈ ગયાં. પોલીસે પ્રિતમ માટે પૂછપરછ કરી. શ્રીરામ ચૌધરીએ કહ્યું: ''પ્રિતમ બે દિવસથી ઘેર જ નથી આવ્યો. અમે જ તેને શોધીએ છીએ. અમે હજુ ફરિયાદ જ નોંધાવી નથી તો તમારે આવવું કેમ થયું ?''
''એક લાશ મળી છે તે સંદર્ભમાં ?''
શ્રીરામ ચૌધરી ગભરાઈ ગયા અને બોલ્યાઃ ''શું એ લાશ મારા પ્રિતમની તો નથી ને ?''
''ના, પ્રિતમના દોસ્ત રંજીતની છે.''
શ્રીરામ ચૌધરીએ કહ્યું: ''રંજીત તો પ્રિતમનો દોસ્ત હતો. તેની હત્યા કેવી રીતે થઈ ગઈ ?''
''અમે એજ પુછપરછ માટે આવ્યા છીએ.''
પોલીસે હવે વિસ્તૃત તપાસ કરી. મરનાર રંજીત વાસ્તવમાં દુમકાના પરમેશ્વર કુમાર નામના પ્રોપર્ટી ડિલરનો પુત્ર હતો. પોલીસે રંજીતના બીજા મિત્રોની પુછપરછ કરી તો એટલું જાણવા મળ્યું કે, રંજીત માધુરી નામની એક છોકરીના ચક્કરમાં હતો. ગઈ દિવાળીના દિવસે માધુરી પ્રિતમના ઘેર દારૂખાનું ફોડવા ગઈ હતી. અચાનક રંજીત ત્યાં જઈ ચડયો હતો. રાતના સમયે તેણે માધુરીને પ્રિતમની અત્યંત કરીબ જોતાં બેઉ વચ્ચે બહુ જ ઝઘડો થયો હતો. તે દિવસથી રંજીત અને પ્રિતમ વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો. માધુરી એ બંને વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરતી હતી. પોલીસે એ પણ શોધી કાઢયું કે માધુરી પણ રંજીતના ઘરની નજીક રહેતી હતી. કેટલાંક મહિનાઓથી રંજીત અને માધુરી એકબીજાની સાથે ફરતાં દેખાતાં હતા.
પોલીસને પ્રિતમ ના મળતાં તે હવે માધુરીના ઘેર પહોંચી, માધુરીનાં માતા-પિતા મધ્યમવર્ગનાં હતા.પિતા નિવૃત્ત હતા. પેન્શન પર ઘર ચાલતું હતું. પોલીસ માધુરીના ઘેર પહોંચી પણ માધુરી ઘેર નહોતી. પોલીસનો હવે શક પાકો થતો ગયો કે પ્રિતમ પણ તેના ઘેર નથી અને માધુરી પણ ઘેર નથી. પડોશીઓને પૂછતાં ખબર પડી કે ૧૮ વર્ષની વયથી જ માધુરી મનસ્વી બની ગઈ હતી. તે ખૂબસૂરત તો હતી જ પણ મોડર્ન વસ્ત્રો પહેરવાં તેને ગમતાં હતાં. કિશોરાવસ્થાથી જ તે બોયફ્રેન્ડ બદલતી રહેતી હતી. સહુથી પહેલાં તે અરમાન નામના યુવકના પ્રેમમાં પડી હતી. તેની સાથે તેણે શારીરિક સંબંધો પણ પ્રસ્થાપિત કર્યા હતા. ઘરવાળાંઓને આ વાતની ખબર પડતાં જ તેમણે માધુરીની શાદી અરમાન સાથે કરાવી આપી હતી, પરંતુ લગ્નના ૭ માસમાં જ બેઉ છુટાં થઈ ગયાં હતા. હકીકતમાં માધુરી તન અને મનથી ચંચળ હતી. તેને અરમાનથી છુટા પડયા બાદ તે રોહન નામના એક યુવાનના પ્રેમમાં પડી હતી. રોહન અને માધુરીએ મંદિરમાં જઈ લગ્ન કરી લીધાં હતાં. પણ બીજા છ મહિનામાં તે રોહનથી પણ છુટી થઈ ગઈ હતી. તે ફરી પિયર પાછી આવી ગઈ હતી. માતા-પિતા માટે પણ તે માથાનો દુઃખાવો બની ગઈ હતી. એ ઘટનાના કેટલાંક સમય બાદ બાજુના મહોલ્લામાં જ રહેતા રંજીત કુમાર નામના યુવાનને એણે ચક્કરમાં લઈ લીધો હતો. માધુરી આંખોના એક ઈશારે જ યુવકોને પ્રેમમાં પાડી દેતી હતી. રંજીતના પિતા પ્રોપર્ટી ડિલર હતા. પૈસાદાર બાપનો બગડેલો દીકરો હતો. કેટલાંક સમય સુધી તે માધુરીના મોહપાશમાં લપેટાયેલો રહ્યો, પરંતુ માધુરી જેટલી ખૂબસૂરત હતી તેથી વધુ ચાલાક પણ હતી.
તે વધુમાં વધુ છ મહિના સુધી જ એક બોય ફ્રેન્ડને રાખી શકતી હતી. છ મહિનામાં તેને બોય ફ્રેન્ડ બદલાવાની તીવ્ર ઈચ્છા થઈ આવતી. માધુરીએ જ દબાણ કરીને રંજીતને તેના કોઈ બોય ફ્રેન્ડ સાથે ઓળખાણ કરાવવા કહ્યું હતું. રંજીતે જ માધુરીનો પરિચય પ્રિતમ સાથે કરાવ્યો. હકીકતમાં માધુરીનો ઈરાદો પ્રિતમને પામવાનો હતો. તે હવે રંજીતથી ધરાઈ ગઈ હતી. એક દિવસ રંજીત માધુરીને ના ગમે તેવી હાલતમાં પ્રિતમ સાથે જોઈ ગયો ત્યારથી રંજીત પ્રિતમની હત્યા કરી નાંખવાનો મનસૂબો બનાવી દીધો હતો. એક સાંજે રંજીતે પ્રિતમને ખત્મ કરી નાંખવાની પોતાની યોજના માધુરીને ભોળાભાવે કહી સંભળાવી. માધુરી પહેલાં તો ચોંકી ગઈ પણ તે ચાલાક હોઈ પોતાના ભાવ છુપાવી રાખ્યા. તેણે રંજીતની ઈચ્છા પ્રમાણે તેની યોજનામાં સાથ આપવાની હા પાડી રંજીતનો વિશ્વાસ જીતી લીધો.
બીજા દિવસે માધુરી રંજીતના કહ્યા પ્રમાણે પ્રિતમને લઈ દુમકા શહેરના ઈદગાહ મેદાન પર રાતના સમયે પહોંચી. એક ઝાડ પાછળ સંતાયેલો રંજીત બહાર આવ્યો પરંતુ રંજીત કાંઈ કરે તે પહેલાં પ્રિતમે ધારદાર ચાકુના ઉપરાઉપરી ઘા કરી રંજીતની હત્યા કરી નાંખી. રંજીત ત્યાં જ ઢળી પડયો. વાત એમ હતી કે માધુરીને હવે નવો બોય ફ્રેન્ડ જોઈતો હતો તે પ્રિતમને ગુમાવવા માંગતી નહોતી, એણે રંજીતની યોજનાની જાણ અગાઉથી જ પ્રિતમને કરી દીધી હતી. રંજીત તેની યોજના પાર પાડે તે પહેલાં જ માધુરીના કહેવાથી પ્રિતમે યોજના પાર પાડી દીધી. બે દિવસ બાદ મોબાઈલ ફોનના ટાવરના આધારે પોલીસે લોકેશન શોધી કાઢી માધુરી અને પ્રિતમને એક ગેસ્ટહાઉસ માંથી પકડી લીધાં. રૂપાળા ચહેરાનું આકર્ષણ આવું ફેટલ પણ હોઈ શકે છે.
- દેવેન્દ્ર પટેલ

બંદૂક ભી હમારી હોગી ગોલી ભી હમારી હોગી (કભી કભી)



હમ તુમ્હે મારેંગે, જરૂર મારેંગે, પર
એક્ટર રાજકુમારની વિદાયને ૧૫ વર્ષ થયાં પણ આ સંવાદો અવિસ્મરણીય છે
એક્ટર રાજકુમારના મૃત્યુને પૂરાં ૧૫ વર્ષ થઈ ગયાં, પરંતુ હજુ દેશના કરોડો ચાહકોના દિલોદિમાગ પરથી તેઓ હજુ ભુલાયા નથી. ગયા જુલાઈ માસમાં તેમની પુણ્યતિથિ હતી. તેઓ તા.૩ જુલાઈ, ૧૯૯૬ના રોજ આ ફાની દુનિયાને છોડીને ચાલ્યા ગયા તે પછી આટલાં વર્ષો બાદ પણ અદાઓના શહેનશાહ તરીકે બિરુદ પામેલા એક્ટર રાજકુમારની સંવાદ શૈલી હજુ યે લોકોના કાનમાં ગુંજે છે. આમ તો તેમના અનેક સંવાદ જાણીતા છે. તેમાં ફિલ્મ 'સૌદાગર'નો એક સંવાદ છે : ''જાની.... હમ તુમ્હે મારેં ગે, ઔર જરૂર મારેંગે, પર બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી, ઔર વક્ત ભી હમારા હૌગા.''
'જાની' શબ્દ એ રાજકુમારનો પર્યાયવાચી શબ્દ બની ગયો હતો. તેઓ ડાયલોગ ડિલીવરીના રાજા કહેવાતા હતા. પૂરા ચાર દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં પોતાની આગવી સ્ટાઈલથી રૂઆબ છાંટનાર રાજકુમારને બોલિવૂડ એક 'અનકન્વેશનલ હીરો' તરીકે ઓળખતું હતું. તલવારકટ મુછો ગંભીર ચહેરો અને પથ્થર જેવી સખત આંખો હોવા છતાં એક્ટિંગને તેઓ બખૂબીથી જાણતા હતા. તેમના અવાજમાં એક પ્રકારની આગવી ''વોઈસ ક્વોલિટી'' હતી. તેમની ફિલ્મ ''તિરંગા''નો એક સંવાદ અને તેમાં રહેલો પંચ આજેય તેમના ચાહકોને યાદ છે : ''ના તલવાર કી ધાર સે, ના ગોલિયોં કી બ્યોં છાર સે... બંદા ડરતા હૈ તો સિર્ફ પરવરદીગાર સે.''
આમ જોવા જઈએ તો તેઓ દેવઆનંદ, રાજેન્દ્રકુમાર, જિતેન્દ્ર કે રાજ કપૂર જેવા ટ્રેડિશનલ હીરો નહોતા. તેમની સ્ટાઈલ સ્ટિરિયોટાઈપ હોવાથી તેમણે પ્રિન્સ, શાયર, જમીનદાર, આર્મી ઓફિસર, પોલીસવડા, ગેંગસ્ટરથી માંડીને રોમેન્ટિક હીરોના રોલ કર્યા હતા. ફિલ્મ 'વક્ત'માં તેમણે એક સોફિસ્ટીકેટેડ ચોરનો રોલ કર્યો હતો. આવી વ્યક્તિઓ માટે આજકાલ બોલિવૂડમાં ''એક્સ'' ... શબ્દ પ્રયોજવામાં આવે છે. તેનો મતલબ છે ''સમથિંગ સ્પેશિયલ''.
કમનસીબ બોલિવૂડના ઈતિહાસકારોએ એક્ટર રાજકુમાર વિશે બહુ ઓછું લખ્યું છે. તેઓ મૂળ કાશ્મીરી પંડિત હતા. તેમનો જન્મ તા.૮ઓક્ટોબર, ૧૯૨૬ના રોજ થયો હતો. તેમનું મૂળનામ કુલભૂષણ પંડિત હતું. તેઓ અખંડ ભારતના બલુચિસ્તાનમાં જન્મ્યા હતા. તેઓ ભણીને મુંબઈ આવ્યા હતા. કારકિર્દીની શરૂઆત તેમણે ૧૯૪૦માં મુંબઈમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની નોકરીથી કરી હતી. ૧૯૬૦માં તેમણે ગાયત્રી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેઓ ત્રણ સંતાનોના પિતા બન્યા હતા.
ઈ.સ.૧૯૫૨માં તેમણે ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરી હતી. સ્ક્રીન માટે તેમણે તેમનું નામ બદલીને રાજકુમાર રાખ્યું હતું. એ જમાનામાં એક્ટર્સ તેમના નામની પાછળ કુમાર લગાવતા. દા.ત. યુસુફખાને પોતાનું નામ દિલીપકુમાર રાખ્યું હતું. તેમની ફિલ્મ 'રંગીલી' બોક્સ ઓફિસ પર હિટ જતાં તેમને બીજી ફિલ્મો મળવા લાગી હતી. અલબત્ત, મહેબૂબખાને તેમને ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં રોલ આપ્યો તે પહેલાં તેઓ બહુ જાણીતા નહોતા. 'મધર ઈન્ડિયા' એક યાદગાર અને કલાસિક ફિલ્મ હતી. તેમાં તેમણે નરગિસના પતિનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં જ નરગિસ અને સુનીલ દત્ત એક બીજાના પ્રેમમાં પડી પરણી ગયાં હતાં. ૧૯૫૭માં બનેલી આ ફિલ્મને ઓસ્કારમાં નોમિનેશન મળ્યું હતું. ફિલ્મને ઓસ્કાર તો ના મળ્યો પણ તેમાં કામ કરનાર તમામ કલાકારોને દેશભરમાં જબરદસ્ત ખ્યાતિ મળી હતી. તેમાં રાજકુમાર પણ એક હતા. તેમણે એક ગરીબ ખેડૂતનો રોલ કર્યો હતો. ખેતરમાંથી વજનદાર પથ્થર હટાવવા જતાં તેમના બંને હાથ કપાઈ જાય છે તેવા અપંગનો રોલ તેમણે કર્યો હતો. આવો રોલ શાહરુખખાન, સલમાન ખાન કે ઋત્વિક રોશન કે રણબીર કપૂર ભાગ્યે જ કરે.
ફિલ્મ 'મધર ઈન્ડિયા'ની સફળતા બાદ રાજકુમારને ઘણી મોટી હિટ ફિલ્મો મળી હતી જેમાં (૧) શરારત (૨) દિલ અપના ઔર પ્રીત પરાઈ (૩) ઘરાના (૪) દિલ એક મંદિર (૫) વક્ત (૬) હમરાઝ (૭) નીલકમલ (૮) પાકિઝા (૯) લાલ પથ્થર (૧૦) હીર રાંઝા અને (૧૧) હિન્દુસ્તાન કી કસમ વગેરેનો સમાવેશ થાય છે. એ જમાનાના જબરદસ્ત લોકપ્રિય એક્ટર્સ સુનીલ દત્ત, શશી કપૂર, રાજેન્દ્રકુમાર, અને બલરાજ સહાની જેવા કલાકારોની સામે કામ કરવાની તક મળી હતી અને તે બધાની સામે મેદાન મારી ગયા હતા. ફિલ્મ ''વક્ત''નો ડાયલોગ લોકો હજુ યે ભૂલ્યા નથી : ''ચિનોય શેઠ, છુરી બચ્ચોં કે ખેલને કી ચીઝ નહીં હોતી. લગ જાતી હૈં તો ખૂન નીકલ આતા હૈ.''
આવો જ બીજો ફિલ્મ વક્તનો બીજો ડાયલોગ લોકોના હોઠ પર છે : ''ચિનોય શેઠ, જીન કે ઘર શીશે કે હોતે હૈ, વહ દૂસરો કે ઘર પર પથ્થર ફેંકા નહીં કરતે.''
અને એ વખતે સિનેમા થિયેટર્સ પ્રેક્ષકોની તાળીઓથી ગુંજી ઊઠતાં હતા. અલબત્ત, તેઓ ડાયલોગ ડિલીવરીના જ શહેનશાહ હતા એટલું કહેવું પૂરતું નથી. તેઓ તેથીયે વધુ એક પરફેક્ટ અને વર્સેટાઈલ એક્ટર હતા. તેઓ જ્યારે સંવાદ બોલતા ત્યારે તેમના ગુસ્સાને નિયંત્રણમાં રાખવાની તાકાત અને તેમનો સત્તાવાહી અહંકાર તેમના ચહેરા પર છલકાતો. એ જ રીતે 'નીલકમલ' જેવી ફિલ્મમાં તેમણે રોમેન્ટિક હીરોની ભૂમિકા પણ ઊંડાણપૂર્વક નિભાવી હતી. 'દિલ અપના ઔર પ્રીત પરાઈ' ફિલ્મમાં તેઓ મીનાકુમારીને પરણી શક્તા નથી ત્યારે તેમની આંખો દ્વારા તેમની લાગણીઓની જબરદસ્ત અભિવ્યક્તિ કરી હતી. આ ફિલ્મના ગીત : ''અજીબ દાસ્તાં હૈં યે''ના પિક્ચરાઈઝેશનમાં રાજકુમારે પ્રણયભગ્ન હીરોની ભાવવાહી લાગણીઓ પ્રેક્ષકો પર છોડી દીધી હતી.
એથીયે આગળ ફિલ્મ 'પાકિઝા'માં રાજકુમાર જ્યારે ટ્રેનમાં મુસાફરી કરે છે અને મીનાકુમારીના ગોરા પગ જોયા પછી તેઓ બોલે છે : ''આપ કે પાંવ દેખે, બહુત હસીન હૈં. ઈન્હે ઝમીન પર મત ઉતારીયેગા, મૈંલે હો જાયેગે.'' એ સંવાદ ભૂલી શકાય તેમ નથી.
એ દિવસોમાં એવોર્ડ્સ મેળવવાનું કામ મુશ્કેલ હતું. 'ફિલ્મ ફેર' મેગેઝિનનો એવોર્ડ એ જમાનામાં ગૌરવપૂર્ણ એવોર્ડ ગણાતો. ૧૯૬૦માં રાજકુમારને ફિલ્મ ''દિલ એક મંદિર'' અને ''વક્ત'' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ એનાયત થયો હતો. ઉંમરની સાથે તેમણે સહાયક અભિનેતાના રોલ પણ કર્યા હતા.
સ્વભાવની દૃષ્ટિએ રાજકુમાર કિશોરકુમાર જેવા મૂડી હતા. તેઓ પોતાની શરતો પર જીવનાર અને કામ કરનાર માનવી હતા. તેઓ કોઈ પાર્ટીમાં જાય તો અત્યંત તેજસ્વી- શ્વેત અને એમ્બ્રોયડરી કરેલાં વસ્ત્રોમાં જ જતાં. તેમણે પ્રકાશ મહેરાની ફિલ્મ ''ઝંઝીર''માં કામ કરવાની ઓફર ફગાવી દીધી હતી. કારણ આપતાં તેમણે કહ્યું હતું કે, ''મને પ્રકાશ મહેરાનો ચહેરો ગમતો નથી.'' એ પછી એ ફિલ્મમાં એંગ્રીયંગમેનનો રોલ અમિતાભ બચ્ચનને મળ્યો હતો.
એક વાર એક નિર્માતા કોઈ એક ફિલ્મ માટે તેમને કરારબદ્ધ કરવા આવ્યા. રાજકુમારે પૂછયું : ''ક્તિને પૈસે દોંગે નિર્માતાએ કોઈ એક રકમ કહી. રાજકુમારે કહ્યું : ''ઉતને પૈસે મેં તો વહ ગુરખે કો લે જાવ !'' રાજકુમારનો ઈશારો ડેની ડેન્ઝોગ્પા તરફ હતો. રાજકુમાર મોહંમદ રફીનાં કેટલાંક યાદગાર ગીતોનો સ્ક્રીન પરનો ચહેરો હતા. દા.ત. ''છુ લેને દો નાજુક હોઠોં કો, કુછ ઔર નહીં જામ હૈં યે'' અને ''યે ઝુલ્ફે અગર બિખર જાયે તો અચ્છા હો'' તથા ''યે દુનિયા, યે મહેફિલ'' જેવાં ગીતો અવિસ્મરણીય છે.
આવા એક્ટર રાજકુમાર હિન્દી ફિલ્મોના ચાહકો પર એક અમીટ છોડી ગયા છે. તેમના જીવનની કમનસીબી એ હતી કે તેમનો જે સ્વર, પ્રેક્ષકો પર જાદુ કરતો હતો તે પાછલા દિવસોમાં કેન્સરના કારણે રુંધાઈ ગયો હતો. હિન્દી ફિલ્મજગતમાં તેમનો પ્રવેશ અને વિદાય એટલાં જ શાંતિપૂર્ણ હતાં.
- દેવેન્દ્ર પટેલ

'બરસાત મેં તુમસે મિલે હમ' કેવી રીતે સર્જાયું ? (કભી કભી)



રાજ કપૂરની સફળતા માટે જે ત્રણ વ્યક્તિઓનું મોટું પ્રદાન હતું તેમાં પાર્શ્વગાયક મુકેશ, સંગીતકાર શંકર- જયકિશન અને ગીતકાર શૈલેન્દ્ર હતા. શૈલેન્દ્રની ૮૯મી જન્મજયંતી આ મહિનામાં આવે છે પરંતુ બોલિવૂડના ગૌરવવંતા ઈતિહાસમાં શૈલેન્દ્રને જે સ્થાન મળવું જોઈએ તે મળ્યું નથી. 'તિસરી કસમ' જેવી ઉત્કૃષ્ઠ ફિલ્મ આપનાર શૈલેન્દ્રનું જીવન એ ફિલ્મના કારણે જ તબાહ થઈ ગયું ત્યારે શૈલેન્દ્ર વિશે પ્રવર્તતી કેટલીક કિંવદંતીઓ અને હકીકતો જાણવા જેવી છે.
દરેક પ્રેક્ષકના દિલની લાગણીઓને સ્પર્શતા સંવેદનશીલ ગીતો લખનાર શૈલેન્દ્ર એક જમાનામાં મથુરામાં વેલ્ડર હતા. શૈલેન્દ્રનો જન્મ તા. ૩૦મી ઓગસ્ટ, ૧૯૨૩ના રોજ બિહારમાં થયો હતો. તેમનું અસલીનામ શંકરદાસ કેસરીલાલ હતું. મુંબઈ આવતા પહેલાં તેઓ રોજી રળવા રાવલપિંડી અને તે પછી મથુરા ગયા હતા. બિહાર, હાલ પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડી અને મથુરાની સ્થાનિક ભાષાઓનો તેમની પર જબરદસ્ત પ્રભાવ હોઈ ગીતકાર બન્યા પછી તેઓ તેમનાં ગીતોમાં વૈવિધ્ય લાવી શક્યા હતા. એ અગાઉ રાવલપિંડીમાં તેઓ મંદિરમાં જઈ ભજનો પણ ગાતા હતા. રાવલપિંડીમાં તેમના પિતાએ ધંધામાં પૈસા ગુમાવતાં આખું યે પરિવાર મથુરા આવી ગયું હતું. ગરીબીના કારણે શૈલેન્દ્રએ પહેલાં પિતા અને તે પછી તેમનાં બહેન પણ ગુમાવ્યાં હતાં. તેમની પાસે દવા કરાવવાના પૈસા નહોતા. ગરીબી આધારિત બીમારી અને પરિવારજનોનાં મૃત્યુ બાદ શૈલેન્દ્રએ ઈશ્વરમાં શ્રદ્ધા ગુમાવી દીધી હતી. તેમણે મથુરામાં વેલ્ડર તરીકે કામ શરૂ કર્યું હતું.
એ પછી તેઓ પેટિયું રળવા મુંબઈ આવ્યા હતા. અહીં પણ તેમણે માટુંગા રેલવે વર્કશોપમાં વેલ્ડર તરીકે કામ શરૂ કર્યું હતું. તેમને કવિતાઓ લખવાનો શોખ હતો. એક દિવસ પ્રગતિશીલ લેખકો દ્વારા આયોજિત એક કવિ સંમેલનમાં ગયા. તેમણે પોતાની કવિતા રજૂ કરી. કવિ સંમેલનમાં અંતે બે યુવતીઓ તેમના ઓટોગ્રાફ લેવા આવી ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું. તેમના માટે બીજું આશ્ચર્ય હજુ બાકી હતું. ભુલી- નીલી આંખોવાળો એક તાજગીભર્યો યુવાન તેમની પાસે આવ્યો એ યુવાને શૈલેન્દ્ર સાથે હાથ મિલાવતાં પોતાની ઓળખ આપી : ''હું પૃથ્વી રાજ કપૂરનો પુત્ર છું. હું એક ફિલ્મ બનાવી રહ્યો છું, જેનું નામ 'આગ' છે. તમે મારી ફિલ્મ માટે ગીતો લખશો ?''
એ યુવાન રાજ કપૂર હતા. એ જમાનામાં લોકો પૃથ્વીરાજ કપુરને ઓળખતા હતા. રાજ કપૂરને નહીં. યુવાન કવિ શૈલેન્દ્રએ કહ્યું : ''હું મારી કવિતાઓ વેચતો નથી.''- એમ કહી શૈલેન્દ્રએ ચાલતી પકડી. પરંતુ એ ઘટનાના કેટલાક સમય બાદ શૈલેન્દ્રના પત્ની ગંભીર રીતે બીમાર પડયાં. શૈલેન્દ્રને પૃથ્વીરાજ કપૂરના પુત્ર રાજ કપૂરની યાદ આવી. તેઓ સીધા રાજ કપૂર પાસે મહાલક્ષ્મીની ઓફિસે પહોંચી ગયા. શૈલેન્દ્રએ રાજ કપૂરને કહ્યું : ''મારે ૫૦૦ રૂપિયાની જરૂર છે. ઉછીના આપશો ? થોડા વખતમાં હું પાછા આપી દઈશ.''
રાજ કપૂરે એક પણ ક્ષણ બગાડયા વિના શૈલેન્દ્રને ૫૦૦ રૂપિયા આપ્યા. કેટલાક સમય બાદ શૈલેન્દ્ર એ રકમ પાછી આપવા ગયા ત્યારે રાજ કપૂરે કહ્યું : ''હું પૈસા પાછા નહીં લઉં, મારી ફરી તમને વિનંતી છે કે તમે મારી ફિલ્મ માટે ગીતો લખો.''
શૈલેન્દ્ર સંમત થયા અને તેમણે ફિલ્મમાં પહેલું ટાઈટલ ગીત લખ્યું : ''બરસાત મેં તુમસે મીલે હમ'' જે આજે પણ સદાબહાર છે. એ પછી તો રાજ કપૂર અને શૈલેન્દ્ર મિત્રો બની ગયા. શરૂઆતમાં રાજ કપૂરની ફિલ્મોની કથા કે.એ. અબ્બાસ લખતા હતા. કે.એ. અબ્બાસ સ્ક્રીપ્ટની ચર્ચા કરતા હતા. ત્યારે શૈલેન્દ્ર પણ હાજર હતા. પરંતુ એ વખતે કે.એ. અબ્બાસ શૈલેન્દ્રની ઉપેક્ષા કરતા હતા. રાજ કપૂર શૈલેન્દ્રને 'કવિરાજ' કરીને બોલાવતા હતા. અઢી કલાકની ચર્ચા બાદ રાજ કપૂરે કહ્યું : ''કુછ સમજમેં આયા કવિરાજ ?''
શૈલેન્દ્રએ ત્વરીત જવાબ આપ્યો : ''ગર્દીશ મેં થા, પર આસમાન કા તારા થા, આવારા થા.'' શૈલેન્દ્રનો એ કાવ્યમય જવાબ સાંભળી સ્ક્રીપ્ટ લેખક કે.એ. અબ્બાસ આશ્ચર્યચક્તિ થઈ ગયા. તેમની રૂમમાં બેઠેલા એ અજાણ્યા યુવક તરફ હવે તેમનું ધ્યાન ગયું. અબ્બાસની અઢી કલાકની વાર્તાને શૈલેન્દ્રએ એક જ લાઈનમાં વર્ણવી દીધી હતી. અને તે પછી તેમની,મુકેશની, શંકર-જયકિશન અને રાજ કપૂરની એક ટીમ બની ગઈ. જે વર્ષો સુધી અણનમ રહી.
કેટલાંક વર્ષો બાદ એક દિવસ દેવઆનંદ અને તેમના ભાઈ વિજય આનંદે શૈલેન્દ્રના ઘરનું બારણું ખખડાવ્યું. આમ તો તેઓ તેમની આગામી ફિલ્મ માટે હસરત જયપુરી પાસે ગયા હતા, પરંતુ હસરતે ગીતો લખવાની ના પાડતા. બીજી ચોઈસ તરીકે તેઓ શૈલેન્દ્રના ઘેર આવ્યા હતા. શૈલેન્દ્રને જ્યારે ખબર પડી કે તેઓ સેકન્ડ ચોઈસ છે ત્યારે તેમને ખરાબ લાગ્યું અને તેથી તેમણે આનંદબંધુઓની ફિલ્મ માટે ગીતો લખવાની તો હા પાડી પણ તેમની ફી તરીકે એ જમાનામાં કોઈએ ના માંગી હોય એટલી ઊંચી રકમ માંગી. દેવઆનંદ અને વિજય આનંદ પાસે હવે બીજો કોઈ વિકલ્પ જ નહોતો અને તેમણે શૈલેન્દ્રએ માંગેલી રકમ આપવા હા પાડી, આનંદ બધુંઓએ ફિલ્મની વાર્તા સંભળાવી. એ ફિલ્મ 'ગાઈડ' હતી. વાર્તા સાંભળ્યા બાદ એ સાંજે જ શૈલેન્દ્રએ 'ગાતા રહે મેરા દિલ''નું મુખડું લખી આનંદ બધુંઓને મોકલી આપ્યું: ''ગાતા રહે મેરા દિલ'' આજે પણ લોકોની જીભ પર છે. ''આજ ફિર જીને કી તમન્ના હૈ''- ગીત પણ શૈલેન્દ્રનું જ છે.
 એ જ રીતે દેવઆનંદ અને વિજય આનંદ ફિલ્મ ''ગાઈડ''ના શૂટિંગ માટે ઉદેપુર જવા નીકળી ગયા હતા. ત્યારે એ ફિલ્મ માટે શૈલેન્દ્રએ 'આજ ફિર જીને કી તમન્ના હૈ'' ગીત લખ્યું હતું. એસ.ડી. બર્મને એ ગીતને સ્વરબદ્ધ કર્યું હતું. ગીત સંગીતબદ્ધ થયા બાદ લોકેશન પણ મોકલવામાં આવ્યું ત્યારે દેવઆનંદને એ ગીત ગમ્યું નહોતું. બલ્કે પાછળથી તેમણે વિચાર બદલીને એ ગીત ઓ.કે. કર્યું અને તેનું શૂટિંગ પણ કર્યું : એ જ વખતે 'ગાઈડ'ના યુનિટમાં તે ગીત હિટ થઈ ગયું અને પાછળથી આખા દેશમાં.
એક બીજી મજેદાર વાત પણ જાણવા જેવી છે. 'પાન ખાયે સૈયા હમારો' એ ગીત પહેલી જ વાર ઓલ ઈન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થયું ત્યારે લોકોનો વિરોધ થતાં આકાશવાણીએ એ ગીતને અશ્લીલ ગણી તેના લિસ્ટમાં રદ કરવું પડયું હતું. પાછળથી એ જ ગીત શૈલેન્દ્રની 'તિસરી કસમ' ફિલ્મમાં લોકપ્રિય ગીત બન્યું : શૈલેન્દ્ર એક સર્જનાત્મક કવિ હતા અને સંવેદનશીલ પણ. ફિલ્મોની ચમકદમકની પાછળ તેની એક કાળી બાજુ પણ છે, જેની પ્રેક્ષકોને જાણ હોતી નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ અંધારી બાજુના ભોગ શૈલેન્દ્ર પણ બન્યા હતા. શૈલેન્દ્ર આમ તો ગીતકાર હતા પણ કોઈ એક તબક્કે તેમણે ''તિસરી કસમ'' ફિલ્મ બનાવવા નિર્ણય કર્યો. આ એક પ્રકારની ન્યૂવેવ ફિલ્મ હતી. શ્યામ બેનેગલની 'અંકુર' પહેલાંની આ નવી તરાહની ફિલ્મ હતી. ''સજન રે જુઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ...'' જેવાં અત્યંત સુંદર ગીતોવાળી 'તિસરી કસમ'ફિલ્મ ઉત્કૃષ્ઠ હોવા છતાં બોક્સ ઓફિસ પર ના ચાલી. આ ફિલ્મની નિષ્ફળતાએ શૈલેન્દ્રને આર્થિક રીતે અને માનસિક રીતે બરબાદ કરી નાંખ્યા. આ ફિલ્મને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક મળ્યો પણ શૈલેન્દ્ર પાસે હવે ફૂટી કોડી નહોતી.
શૈલેન્દ્રના મૃત્યુનું કારણ પણ આ ફિલ્મના કારણે આવી પડેલી આર્થિક જવાબદારીઓે જ હતી. શૈલેન્દ્ર હૃદયરોગના હુમલાથી નહીં પરંતુ હૃદયભગ્ન થતાં મૃત્યુ પામ્યા હતા.
શૈલેન્દ્રના સહુથી નાના પુત્ર દિનેશ શૈલેન્દ્ર કહે છે : ફિલ્મ 'તિસરી કસમ' માટે ઘણી વાતો ચાલે છે. દા.ત. એક માન્યતા એવી છે કે આ ફિલ્મમાં કામ કરવા માટે રાજ કપૂરે પૈસા લીધા નહોતા. પરંતુ એ વાત સાચી નથી. મુંબઈના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ મફત કામ કરતું નથી. મારા પિતા માટે પણ કોઈએ વિના મૂલ્યે કામ કર્યું નહોતું. રાજસાહેબે પણ મારા પિતા પાસેથી પૈસા લીધા હતા. એ જ રીતે સંગીતકાર શંકરજીએ પણ પૈસા લીધા હતા. વળી આ ફિલ્મ બનતાં પાંચ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો કારણ કે રાજ સાહેબ તારીખો આપતા નહોતા.''
રાજ કપૂર શાયદ 'તિસરી કસમ' પહેલાં તેમની ફિલ્મ 'સંગમ' રજૂ થાય તેવું ઈચ્છતા હતા. દિનેશ શૈલેન્દ્ર કહે છેઃ ''મારા પિતાએ આપઘાત કર્યો નહોતો, પણ તેઓ મિત્રોના વ્યવહારથી આઘાતનો ભોગ બન્યા હતા. મારા પિતા પાસે પૈસાની કમી નહોતી. ફિલ્મ ''ગાઈડ''નાં ગીતો લખવા માટે એ જમાનામાં તેમને રૂ. એક લાખ મળ્યા હતા. મારા પિતા હાર્ટબ્રેકના કારણે મૃત્યુ પામ્યા હતા.''
''રુલા કે ગયા સપના મેરા'', ''અદાલત ઉઠ ચુકી હૈ, અબ કૌન કરેગા સુનવાઈ...'' અને ''તુમ્હારી ભી જય હમારી ભી જય'' જેવાં અસંખ્ય સુંદર ગીતોની રચના કરનાર શૈલેન્દ્ર ચમકદમકથી ભરેલી ફિલ્મોની દુનિયાની કાળી અને કડવી વાસ્તવિક્તાની ભોગ બનેલી વ્યક્તિ હતી.
- દેવેન્દ્ર પટેલ

-અને બધાના ગયા બાદ હું ઓફિસમાં રોકાઈ ગઈ (કભી કભી)



અને રૂહી બોલી હતીઃ ''મારા માટે હવે 'વન મેન્સ વુમન' બની રહેવું મુશ્કેલ છે''
એક દિવસ રૂહી ઓફિસમાં આવે છે. કોઈ એને ખલેલ ના પહોંચાડે તેવી શરત સાથે અત્યંત સ્વસ્થતાથી એની વાત શરૂ કરે છે. એ કહે છે : ''સર, એક વાત કહું. મારો ખ્યાલ છે કે સ્ત્રીના દિમાગમાં શયતાન રહે છે અને પુરુષના દિમાગમાં કામ.''
એનું પહેલું જ વિધાન ચોંકાવનારું હતું. એ એના સમર્થનમાં પોતાની જ વાત શરૂ કરે છે : ''હું એવી કેટલીયે સ્ત્રીઓને જાણું છું જે પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તે કોઈપણ કિંમત ચૂકવવા સદા તત્પર રહે છે, પછી તે શરીર હોય, આદર્શ હોય કે નીતિ. હું જે ઓફિસમાં કામ કરતી હતી તેના બોસ ગૌતમ કંપનીના જનરલ મેનેજર હતા. ગૌતમ મને અવારનવાર તેમની ચેમ્બરમાં બોલાવતાં. સાથે કોફી પીવાની ઓફર કરતાં. કોઈ વાર બહાર લંચ માટે જવાની વાત કરતાં. હા-ના કરતાં હું તેમની સાથે બહાર લંચ માટે ગઈ હતી. તેમણે મને સ્પર્શવા પ્રયાસ કર્યો હતો. મેં હાથ હટાવી લીધો હતો. ત્યારે તેમણે બહુ જ સ્વસ્થતાથી કહ્યું હતું: ''રૂહી, હવે તારે નક્કી કરવાનું છે કે તારે બઢતી જોઈએ છે કે દારિદ્રય ? ઐશોઆરામથી ભરેલી સુરક્ષિત જિંદગી જોઈએ છે કે અસુરક્ષા.''
પહેલીવાર તો હું બેહદ નવર્સ હતી. પરંતુ મેં મારા ભૂતકાળ પર નજર નાંખી. હું નાની હતી ત્યારે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી હતી. મારી માનો પ્રેમી કે જેને હું અંકલ કહેતી હતી તેણે એક દિવસ મારી માની ગેરહાજરીમાં મને તબાહ કરી દીધી હતી. એ વખતે હું માત્ર પંદર વર્ષની હતી. મારા પિતાએ મારી માને ક્યારનીયે ત્યજી દીધી હતી. મારી માને પણ ઐશોઆરામથી ભરેલી જિંદગી જોઈતી હતી અને એ બધું જ 'અંકલ' પૂરું પાડતા હતા. મેં મારી માને ફરિયાદ કરી પરંતુ આરામપ્રદ જિંદગી બક્ષી રહેલા અંકલની એ હરક્ત સામે એણે પણ આંખ આડા કાન કરી લીધા.
ગૌતમ મારી સાથે અત્યંત નિકટની દોસ્તીનો હાથ લંબાવી રહ્યા હતા ત્યારે મને એ દારિદ્રય યાદ આવી ગયું. વળી ગૌતમ મારા બોસ હોવા છતાં તેમનો મારા પ્રત્યેનો વ્યવહાર અત્યંત શાલીન હતો. તેમના શબ્દોમાં કોમળતા હતી. દયા પણ હતી. ગૌતમ પરિણીત હતા. બાળકો પણ હતા. એમણે મારા તરફ ફરી હાથ લંબાવ્યો. મેં ધ્રુજતા હાથે મારો હાથ એમના હાથ તરફ સરકાવ્યો. મારી આંગળીઓ કાંપી રહી હતી. મારો આ પ્રકારનો કોઈ પુરુષ સાથે પહેલો સ્પર્શ હતો. એ પછી થોડા દિવસ બાદ અમે ફરી એકવાર એક રેસ્ટોરાંમાં ડિનર પર ગયાં. એમણે મને પૂછયું: ''રૂહી, તું ક્યાં રહે છે ?''
''ર્વિંકગ વિમેન્સ હોસ્ટેલમાં.''
''કેમ તારી મમ્મી સાથે નથી રહેતી ?''
''આઈ હેઈટ ધેટ વુમન.'' બસ એટલું જ બોલી. મારી મા એના શોખ અને વિલાસીતા ભરી જિંદગી માટે ગલત રસ્તે હતી. તેથી મેં જ એ ઘર છોડી દીધું હતું. તે વાત કહેવાનું મેં ટાળ્યું હતું.
મેં પૂછયું : ''ગૌત્તમ, તમે તમારી પત્નીને છોડીને મારી તરફ આર્કિષત કેમ થયા છો ?''
''કોઈ દિવસ કહીશ તને.''
અને મેં ગૌતમને ફરી સ્પર્શ કર્યો. અમને બંનેને એકબીજાના જીવનમાં વધુ પડતું ડોકિયું કરવામાં કોઈ જ રસ નહોતો. ગૌતમને મારામાં રસ હતો અને મને મારી નોકરી, તરક્કી અને સુરક્ષામાં રસ હતો. એ પછી તો હું અને ગૌતમ અનેકવાર લોંગ ડ્રાઈવ પર જતાં. ગૌતમ બહુ જ ફાસ્ટ કાર ચલાવતા અને તે કહેતાઃ ''રૂહી, તારી જગાએ મારી વાઈફ બાજુમાં બેઠી હોત તો મને આટલી ફાસ્ટ કાર ચલાવવા ના દેત. તને બીક નથી લાગતી ?''
''હું તમારી બાજુમાં બેઠી હોઉં છું ત્યારે વધુ સલામતી અનુભવું છું.''
એ સાંભળતાં જ ગૌતમે મને તેમની કરીબ ખેંચી લીધી. ગૌતમ અત્યંત સુખી માણસ હતા. બહુ જ પૈસા તેમની પાસે હતા. અમે એક અતિશય મોંઘી હોટલમાં ગયાં. મેં પોતાની જાતને સર્મિપત કરી દીધી અને એ પછી આ બધું એક સિલસિલો બની ગયો. છતાંયે એક રાતે આવી જ કોઈ હોટલમાં હું એમની કરીબ હતી ત્યારે તેઓ બોલી ગયાઃ રૂહી, મારી પત્ની એક મલ્ટિમિલિયોનરની દીકરી છે. એના પિતા આ ફેક્ટરીના માલિક છે. હું આ જ ફેક્ટરીમાં એન્જિનિયર હતો અને એના પિતાએ મને જમાઈ તરીકે પસંદ કરી આ ફેક્ટરીનો મેનેજર બનાવી દીધો. હું તને પહેલી જ વાર આ વાત કહી રહ્યો છું કે તે બહુ જ ઘમંડી છે. લગ્ન પહેલાં તે અલગ હતી, લગ્ન બાદ તે અલગ છે.''
અને ગૌતમને મેં આગોશમાં લઈ લીધા. મેં એમના માથામાં હાથ ફેરવ્યો. શાયદ એમને પણ થોડીક લાગણીની જરૂર હતી અને થોડી જ વારમાં અમે બંને અચેતન અવસ્થામાં સરી પડયાં. કેટલીયે વાર પછી એમણે આંખો ખોલી અને બોલ્યાઃ''તારા સાનિધ્યમાં હું ગજબનો સંતોષ અનુભવું છું. તું મારી પાસે એકલી હોય છે ત્યારે મારું મન હંમેશાં ભૂખ્યું જ રહે છે. તારા બદનના સ્પર્શ માત્રથી હું પીગળી જાઉં છું, રૂહી.''
અને હોટલના એ રૂમમાં મને થતું કે સવાર જ ના પડે તો કેટલું સારું. પણ સવાર તો પડતી જ હતી. ફરી રોજિંદુજીવન ચાલુ થઈ જતું. એક વાર તેઓ પંદર દિવસ માટે સાઉથની ટૂર પર ગયા હતા. એ પંદર દિવસ સુધી જાણે કે હું એકલી પડી ગઈ હોય એમ મને લાગતું હતું. હવે તો ઓફિસમાં પણ બધાને મારા અને ગૌતમના સંબંધોની ખબર પડી ગઈ હતી. પૂરા પંદર દિવસ બાદ તેઓ સાઉથથી પાછા ફર્યા. મારા માટે પુષ્કળ ડ્રેસ, કોસ્મેટિક્સ, ઘરેણાં લેતા આવ્યા હતાં. દરેક સ્ત્રીઓને આ બધી ચીજોનો મોહ હોય છે. તેઓ જ્યારે પણ બહાર જાય ત્યારે મારા માટે કાંઈને કાંઈ કિંમતી ઉપહાર લેતા આવતા હતા. એક વાર તો કંપનીના કામે તે મોરેશિયસ જવાના હતા. તેમણે મારી ટિકિટ પણ એમની સાથે જ કરાવી લીધી. પૂરા દસ દિવસ હું તેમની સાથે મોરેશિયસ રહી હતી. પરંતુ કોઈનેય ખબર નહોતી કે આ અમારી અંતિમ સહયાત્રા હશે. અમે હનીમૂન કરીને પાછા આવ્યાં હોઈએ તેવો આનંદ હતો.
પરંતુ બીજા જ દિવસે ખબર પડી કે ગૌતમની બદલી ભોપાલ ખાતેની ફેક્ટરી પર થઈ ગઈ છે. ગૌતમ ભોપાલ ચાલ્યા ગયા. પાછળથી મને ખબર પડી કે ગૌતમના પત્નીએ જ આ બદલી કરાવી નાંખી હતી. દરઅસલ આ તમામ ફેક્ટરીઓ ગૌતમના પત્નીના નામે હતી. ગૌતમના ગયા બાદ હું ફરી એકલી પડી ગઈ. હું તેમને ભૂલી શક્તી નહોતી. હું ઉદાસ ઉદાસ રહેવા લાગી હતી. ગૌતમની જગા પર મિસ્ટર મીરચંદાની મારા બોસ તરીકે આવ્યા હતા. પચાસ- પંચાવન વર્ષના મીરચંદાની સખત મિજાજના, ધૂર્ત વ્યક્તિ લાગતા હતા. તેઓ આવતાં જ મારી સામે ડોળા ફાડીને જોવા લાગ્યા હતા. તેમની નજર પરથી જ લાગતું હતું કે, તેઓ મારા અને અગાઉના બોસ ગૌતમ સાથેના મારા સંબંધો વિશે જાણતા હતા. તેઓ શાયદ મને ''ફ્રી ફોર ઓલ'' સમજતા હતા.
બીજા જ દિવસે કોઈ કામના બહાને તેમણે મને રોકી લીધી. બીજા લોકોના જતા રહ્યા બાદ તેમને મારી સાથે છૂટ લેવા પ્રયાસ કર્યો. મેં હાથ ખેંચી લઈ અત્યંત ધૃણાપૂર્વક ઈનકાર કરી દીધો. તેમણે ચહેરા પર સખતાઈ લાવતાં કહ્યું: ''વિચારી લેજે પરિણામ, રૂહી. આ જોબ તારે જાળવી રાખવી છે ને ?''
મેં મક્કમતાથી કહ્યું: ''મેં વિચારી લીધું. મારે મારી ઈજ્જતના ભોગે કોઈ જોબ નથી જોઈતી.''
મીરચંદાનીએ કહ્યું: ઈજ્જત ? તારા જેવી એમબીશિયશ સ્ત્રી પ્રમોશન માટે કોઈ પણ રસ્તે જઈ શકે છે. કમ ઓન. બી સેન્સિબલ. વિચારી લેજે. મને કોઈ જલદી નથી. તું વન મેન્સ વુમન બની રહેવા માંગે છે. પણ ગૌતમ ભોપાલમાં બીજી જ કોઈને શોધતો હશે.''
હું ગુસ્સામાં હતી. ફરી મારી હોસ્ટેલ પર આવી ગઈ. હું અસમજંસમાં પડી ગઈ. બીજા દિવસે પણ એણે મને રોકી. મીરચંદાનીએ કહ્યું, ''મીસ રૂહી, આજે હું તમને કાંઈ જ નહીં કરું. પરંતુ ગઈકાલના મારા વર્તન બદલ માફી માંગવાં જ મેં તમને રોક્યાં છે. ચાલો તમને મારી કારમાં તમારી હોસ્ટેલ પર ઉતારી દઉં.''
મારી ના છતાં એમણે મને લિફટ આપી. મીરચંદાનીએ મને પૂછયું: ''વિમેન્સ હોસ્ટેલમાં ક્યારથી રહે છે ?''
''જ્યારથી નોકરી મળી.''
''લગ્ન કેમ નથી કરી લેતી ''?
''આ મારો વ્યક્તિગત મામલો છે.''
''જો રૂહી, હું તારું ખરાબ ઈચ્છતો નથી. પણ તારા જેવી કોઈ પણ યુવતીને આખી જિંદગી એકલા ગુજારવી મુશ્કેલ છે. આદર્શની વાતો એક છે. તેનો અમલ મુશ્કેલ છે. શરીરની પણ પોતાની ડિમાન્ડ હોય છે. એની ઉપેક્ષા કરી શકાતી નથી. માનવજીવનમાં આ ઉંમર જ મહત્ત્વપૂર્ણ છે. તારી હઠ બિનજરૂરી છે. મારી વાત પર શાંતિથી, ઠંડા દિમાગથી વિચારજે. મને કોઈ ઉતાવળ નથી.''
- અને મીરચંદાની મને હોસ્ટેલ પર ઉતારી જતા રહ્યા.
થોડા દિવસ સુધી હું રજા પર રહી. મેં ખૂબ મનોમંથન કર્યું. મેં એકલા રહેવા ખૂબ પ્રયાસ કર્યો. ગૌતમની સાથે રહેતાં રહેતાં મને મોંઘીદાટ હોટલોમાં રહેવાની, કિંમતી ભેટ સ્વીકારવાની, સુંદર રેસ્ટોરાંમાં ડિનર કરવાની, લકઝુરિયસ કારમાં ફરવાની હવે આદત પડી ગઈ હતી. મને લાગ્યું કે આ બધા વગર હવે હું રહી નહીં શકું. મીરચંદાનીની વાત મને સાચી લાગી. મીરચંદાનીની વાત ના માનવાનો મતલબ હતો કે આ બધા એશોઆરામ વગર મારે જીવવું. પરંતુ મારા માટે હવે તે સંભવ નહોતું. એ સાંજે બધાનાં ગયા પછી હું મીરચંદાની પાસે જતી રહી.
અને હવે તો મીરચંદાનીની પણ ટ્રાન્સફર થઈ ગઈ. તેમની જગ્યાએ મિસ્ટર ખન્ના આવ્યા. એ દિવસે એમના કહ્યા વગર જ હું બધાંના ગયા બાદ ઓફિસમાં રોકાઈ ગઈ.''
રૂહી કહે છેઃ ''સમય બદલાયો છે, સર. આજે 'વન મેન્સ વુમન' બની રહેવું મુશ્કેલ છે અને મને એનું કોઈ દુઃખ નથી.''
(સુપ્રસિદ્ધ લેખિકા ઉષા જૈન શીરીની કથાનો આ ભાવાનુવાદ છે.)
- દેવેન્દ્ર પટેલ

હું મનીષા નહીં, રેખા છું કહેતાં એ ચાલવા માંડી (કભી કભી)



આખરે મનીષા ઉર્ફે રેખા કોણ હતી સોફિસ્ટિકેટેડ કોલગર્લ તો નહોતી ને?
મનીષા તો બસ મનીષા જ હતી. બેહદ સુંદર. એટલી રૂપાળી કે કોઈ એને જુએ તો બસ જોતો જ રહી જાય. એનો ખૂબસૂરત ગોરો રંગ તેજ ધૂપમાં તામ્રવર્ણો લાગતો હતો. એના ચહેરા પરથી પ્રસ્વેદ બિંદુઓ ટપકી રહ્યાં હતાં. એ દિવસે એ આકરા તાપમાં ઊભી હતી. શાયદ ઓટો રિક્ષાનો ઈન્તજાર કરતી હતી. મારી નજર એની પર પડી. હું ઓળખી ગયો કે એ મનીષા જ હતી. મનીષાને હું કેટલાંક સમય પહેલાં જ મળ્યો હતો. પહેલી મુલાકાત બાદ તે મને એના ઘરે લઈ ગઈ હતી.
મેં મારી કાર થોભાવી. ચહેરા પર આત્મીયતા લાવતાં મેં પૂછયું : '' તમે ? અહીં આવા તાપમાં કેમ ઊભાં છો. ચાલો હું તમને ઉતારી દઉં. ક્યાં જવું છે ?''
યુવતીએ કોઈ જવાબ આપ્યો નહીં.
મેં પૂછયું : '' તમે મનીષા છો ને ? મને ઓળખ્યો નહીં ? હું સાર્થક છું.''
એણે પ્રશ્નાર્થભરી નજરે મને પૂછયું: ''કોણ મનીષા ? હું મનીષા નહીં પણ રેખા છું.'' આટલું કહીને તે ચાલવા માંડી. મને બહુ વિચિત્ર લાગ્યું. મને એમ પણ લાગ્યું કે તે મારું અપમાન કરીને જતી રહી. હું વિચારવા લાગ્યો કે મનીષાએ આમ કેમ કર્યું ? તે જુઠ્ઠું શા માટે બોલી ? એણે પોતાનું નામ રેખા છે એમ કેમ કહ્યું ? મને વિશ્વાસ હતો કે તે મનીષા જ હતી. રાત્રે હું ઊંઘી શક્યો નહીં. મનીષાને હું હમણાં તો મળ્યો હતો. મેં યાદદાસ્ત તાજી કરી. એ દિવસે મારે ઈન્દોરના આકાશવાણી કેન્દ્ર પર મારી વાર્તાના રેકોર્ડિગ મારે જવાનું હતું. મારે સુપરફાસ્ટ લકઝરી બસ પકડવાની હતી. લાઈન ખૂબ લાંબી હતી. તેમાં કેટલીક મહિલાઓ પણ હતી. બારી પાસે એક સુંદર યુવતી ઊભી હતી. મેં તેની પાસે જઈ વિનંતી કરી : ''મેડમ ! તમે મારી એક ટિકિટ લેશો ?''
એણે સહજતાથી કહ્યું: ''હા... હા... કેમ નહીં ?''
મેં એને સો રૂપિયાની નોટ આપી. એણે મારી ઈન્દોરની ટિકિટ લઈ લીધી. બસમાં અમારી આજુબાજુમાં જ સીટ આવી. બસ દોડવા લાગી. વળાંક પર કે બ્રેક વાગતી વખતે મારું શરીર તેને સ્પર્શી જતું હતું. હું સહમી જતો હતો. સમય પસાર કરવા મેં એક સુપ્રસિદ્ધ સાહિત્યકારનું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું: એણે પુસ્તકમાં નજર નાંખતાં પૂછયું: ''શું તમને સાહિત્યનો શોખ છે ?''
''હા.... હું ખુદ એક નાનકડો લેખક છું. ટૂંકી વાર્તાઓ લખું છું. મારી વાર્તાનું આજે આકાશવાણી પર રેકોર્ડિગ છે.''
સાંભળતાં જ તે ખુશ થઈ ગઈ. તે બોલીઃ ''મારું નામ મનીષા છે. મને સાહિત્ય પ્રત્યે ખૂબ જ લગાવ છે. હું ખુદ એક અધ્યાપિકા છું. તમારું
નામ ?''
મેં કહ્યું : ''સાર્થક''
મનીષા બોલીઃ ''હું ઈન્દોરમાં ઓલ ઈન્ડિયા રેડિયોની પાસે જ રહું છું. રામબાગ મકાન નંબર ૧૨૭માં. સમય મળે તો જરૂર આવજો !''
મનીષાએ મારા પર જાદુ કરી દીધો હતો. રેકોર્ડિગ પૂરું થતાં જ હું રામબાગ પહોંચ્યો. દરવાજે મને ઊભેલો જોઈ મનીષા ખુશ થઈ ગઈ. મને ઘરમાં લઈ ગઈ. ચા- નાસ્તો કરાવ્યો. મનીષા કોલેજમાં હિન્દી ભણાવતી હતી. તેણે લખેલી કેટલીક કહાણીઓ બતાવી. મેં વાંચી અને કહ્યું : ''મેડમ, તમે બહુ જ સરસ લખો છો!''
દોઢ કલાક બાદ હું ઊભો થયો. એ બોલીઃ ''સાર્થક, તમારા માનમાં હું સાહિત્યકારોની એક ગોષ્ઠિ રાખવા માંગુ છું. એક દિવસ ફરી ઈન્દોર આવજો. હું તમને રાત રોકીશ નહીં. સાંજે ઉજ્જૈન પાછા જતાં રહેજો.'' હું મનીષાને સાંભળવા કરતા જોવામાં વધુ મગ્ન હતો. એના અંગ-ઉપાંગોને ગહેરાઈથી જોઈ રહ્યો. હું ચંચલ થઈ ગયો. મારું મન વિક્ષિપ્ત થઈ ગયું. પરંતુ મનમાં પેદા થયેલા એક બુરા વિચાર પર મેં કાબૂ મેળવી લીધો. હું એક નાનકડું સન્માન પ્રાપ્ત કરી મારા શહેર ઉજ્જૈન પાછો જવા નીકળ્યો, એ વખતે એની આંખો પણ જાણે કે આમંત્રણ આપતી હોય એમ મને લાગ્યું.
આ ઘટનાના કેટલાક સમય બાદ મારે ફરી ઈન્દોર જવાનું થયું. આ વખતે હું કાર લઈને ગયો હતો. એક અજાણ્યા જ રસ્તે મેં મનીષાને તાપમાં ઊભેલી જોઈ પરંતુ તેણે મને ઓળખવાનો ઈનકાર કરી દીધો. એટલું જ નહીં પરંતુ તેણે કહ્યું કે ''હું મનીષા નહીં, રેખા છું.'' આ વાત મારી સમજમાં આવતી નહોતી. એથીયે વધુ ખરાબ તો એ મને લાગ્યું કે તે મારું અપમાન કરીને જતી રહી. મારા જેવા સંવેદનશીલ વ્યક્તિ માટે આ એક અસહ્ય પરિસ્થિતિ હતી. વળી કોઈ રહસ્ય પણ હતું. જેના કારણે તે મનીષા નથી પણ રેખા છે તેમ કહી જતી રહી. ઘડીભર મને લાગ્યું કે તે અધ્યાપિકા છે જ કેમ તે પણ એક સવાલ છે. શું તે કોઈ... ? મને તેના ચારિત્ર્ય વિષે જાતજાતના સવાલો પેદાં થયાં. પરંતુ હવે તેની અસલિયત શોધી કાઢવા મેં પાક્કો નિર્ણય લઈ લીધો અને હું ફરી ઈન્દોર ઊપડયો. મારે હવે એ નક્કી કરવું હતું કે તે ખરેખર અધ્યાપિકા છે કે દેહવ્યાપાર કરતી ભણેલી ગણેલી કોલગર્લ ?
અને રવિવારના દિવસે હું સીધો જ ઈન્દોરમાં રામબાગ ખાતેના તેના ઘરે પહોંચી ગયો. મેં ડોરબેલ વગાડયો. એણે બારણું ખોલ્યું. મને જોઈને તે ચોંકી ગઈ મને લાગ્યું કે તે વિચલિત થઈ ગઈ છતાં ઔપચારિક્તાવશ એણે મને અંદર આવવા કહ્યું, ડ્રોઈંગરૂમમાં સોફા પર બેસતાં જ મેં તેને પૂછયું: ''મેડમ, તમે મનીષા છો કે રેખા ?''
એણે કહ્યું: ''હું મનીષા હોઉં કે રેખા- તમને શું ફરક પડે છે ? શું કોઈ નવી સ્ટોરી લખવા માંગો છો ?''
''હા... ફરક પડે છે. એક સ્ત્રી આસાનીથી જુઠ્ઠું પણ બોલી શકે છે તે જાણીને મને આઘાત લાગ્યો છે. તમે છો કોણ?''
અને એની આંખોમાં જલબિંદુઓ ચમકવા લાગ્યા. એ બોલીઃ ''સાર્થક, તમારે જો કોઈ સત્ય ઘટના લખવી હોય તો જરૂર લખજો કે હું મનીષામાંથી રેખા કેમ બની ? ચાલો મારી સાથે અંદર બેડરૂમમાં આવો.''
એ મને એના બેડરૂમમાં લઈ ગઈ. અને બોલીઃ ''હું પણ એક હાડમાંસની બનેલી એક સ્ત્રી છું. મારી પણ ભાવનાઓ અને ઈચ્છાઓ હતી. પરંતુ મારું જીવન બરબાદ કરી નાંખવામાં આવ્યું છે. જે મનીષાને જોઈ તમે મારા તરફ આકર્ષાયા હતા તે મનીષાને જીવતે જીવ મારી નાંખવામાં આવી છે. મનીષામાંથી રેખા બનવું પડયું તેનું એક કારણ છે. તમે આ દીવાલ પરની આ તસવીરને જુઓ.''
મેં દીવાલ પર લટકતી એક વૃદ્ધની તસવીર નિહાળી. તે કહેવા લાગીઃ ''આ તસવીર મારા પિતા કે મારા દાદાની નથી પરંતુ મારા પતિની છે. મારા ગળામાં એમનું મંગળસૂત્ર છે. મારા માથા પર તેમનું સિંદૂર છે. મારા કપાળ પર તેમની બિંદિયા છે. તે ખૂબ વૃદ્ધ છે. અહીં રહેતા નથી. તેમણે મને ક્યારનીયે તરછોડી દીધી છે. બહાર જ રહે છે. તેમને ઘણો મોટો પરિવાર છે. ઘણો મોટો બિઝનેસ છે. સધવા હોવા છતાં વિધવા જેવું જીવન જીવી રહી છું.
''કેમ ?''
એ બોલીઃ ''હું અગિયાર વર્ષની હતી ત્યારે મારાં માતા-પિતાએ મને પરણાવી દીધી હતી. એ વખતે હું પાંચમાં ધોરણમાં ગામડાંમાં ભણતી હતી. હું અગિયાર વર્ષની હતી ત્યારે મારા પતિ ૪૦ વર્ષની વયના હતા. એક આધેડ વ્યક્તિ સાથે મને પરણાવી દેવામાં આવી હતી. તેર વર્ષની ઉંમરે મારું આણું કરવામાં આવ્યું હતું. તે વખતે પણ પતિ-પત્ની વચ્ચેના સંબંધો વિશે હું કાંઈ જાણતી ન હોતી. મારા પતિ મારા પર જબરદસ્તી કરતા હતા. મને માર મારવામાં આવતો હતો. મને ઘરની નોકરાણી જ બનાવી દેવામાં આવી હતી. હું રાતભર રડતી રહેતી. હું જુવાન થઈ ત્યારે મારા પતિ વૃદ્ધ થઈ ગયા હતા. હું જીદ કરીને પણ ભણતી રહી. મેં હિન્દીમાં એમ.એ. કરી લીધું. મને સારા મિત્રો મળ્યા. મને નોકરી પણ મળી ગઈ. જે દિવસથી હું નોકરી કરવા ગઈ તે દિવસથી મારા ચારિત્ર્ય પર છાંટા ઉડાડવાનું શરૂ કર્યું. મને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી. આમેય મારા વૃદ્ધ પતિને મારામાં રસ નહોતો. મારી પાસે સારી નોકરી હોઈ હું ઈન્દોરમાં એકલી રહેવા લાગી. હું હિન્દી સાહિત્યની છાત્રા અને અધ્યાપિકા બેઉ હતી. હિન્દી પ્રેમીઓએ મને સાથ આપ્યો. પતિ તરફથી મને કદીયે પ્રેમ ના મળ્યો. પતિએ ભલે મને તરછોડી દીધી પરંતુ હું પહેલાં જે હતી તે આજે પણ છું. હવે મેં મારું નામ અને પરિવેષ જ બદલ્યાં છે. ઘણીવાર મને મારા માતા-પિતા પર ગુસ્સો આવે છે. તેમણે જ એક બાલિકાને તેના ભણવા કે રમવાના દિવસોમાં આધેડ પુરુષ સાથે પરણાવી દીધી.''
એ અસ્ખલિત બોલી રહી હતી. ''મને લાગ્યું કે મારા માતા-પિતાએ ઘરની આર્થિક હાલત બગડતાં એવી કોઈ મજબૂરીના કારણે મને નાની ઉંમરમાં આધેડ વયની વ્યક્તિ સાથે પરણાવી દીધી હતી. મારાં માતા-પિતા અને મારા પતિએ મારી સાથે અન્યાય કર્યો છે. અને એટલે જ હું એકલી રહી અધ્યાપિકા બની નોકરી કરી રહી છું. તમે એક સાહિત્યકાર છો તેથી હું તમને મારા ઘરે લઈ આવી હતી. સાહિત્ય મારો શોખ છે. સાહિત્ય મારું જીવન છે. લેખકોનું સન્માન મને ગમે છે. હું તમને પહેલીવાર મળી ત્યારે મનીષા હતી.તમારી સાથેની મુલાકાત બાદ સાહિત્યકારોને જ મારા અને તમારા માટે ઘણી વાતો કરી. તેથી જ મેં તમને ઓળખવા ઈનકાર કરી દીધો હતો.  આખરે હું યુવાન છું. તમે પણ યુવાન છો, ખબર નથી કોણ ક્યારે ભૂલ કરી બેસે. એટલે મેં મારું ચારિત્ર્ય અને ધર્મ બચાવવા માટે જ તમારાથી દૂર રહેવા નક્કી કર્યું છે. વૃદ્ધ તો વૃદ્ધ પણ એ મારા પતિ છે. હું એક જીવમાં બે જીવ કરી શકું નહીં. એક સ્ત્રીની લાજ અને અસ્મિતા બચાવવા મેં તે દિવસે તમને ઓળખવા ઈનકાર કરી દીધો હતો.''
આટલું બોલી તે ચૂપ થઈ ગઈ.
મારી પાસે એનો કોઈ જવાબ નહોતો. ઘડીભર મને મારા માટે શરમ ઊપજી. હું તો મનીષા માટે કેવું કેવું વિચારતો હતો. હું પસ્તાવા લાગ્યો. મને બાલવિવાહના દૂષણનો પણ ખ્યાલ આવ્યો મનીષામાંથી રેખા બનેલી એક સ્ત્રીએ મને જાણે કે નિદરમાંથી જગાડી દીધો હતો. હું નતમસ્તક બની એક પવિત્ર સ્ત્રી સામે ચૂપચાપ ઊભો જ રહી ગયો.
(સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. રામસિંહ યાદવની કૃતિનો આ ભાવાનુવાદ છે.)
- દેવેન્દ્ર પટેલ

પ્રમુખ બન્યા પછી મારા હસબન્ડ બદલાયા નથી (કભી કભી)



એમેરિકાના શાર્લોટ શહેરની ''ફાઈવ ચર્ચ'' નામની એક રેસ્ટોરામાં બેઠેલા ક્રિશ્નન નૈયરના આઈફોન પર એક ઈ-મેઈલ મળ્યો. ઈ-મેઈલ ''ક્રિશ્નન''ના નામે મોકલાયેલો હતો. ઈ-મેઈલમાં લખવામાં આવ્યું હતું : ''ક્રિશ્નન ! આજે રાત્રે હું શાર્લોટના સ્ટેજ પર મારા હસબન્ડ અને અમેરિકાના પ્રેસિડેન્ટ માટે બોલવાની છું. આજથી ૨૩ વર્ષ પહેલાં હું તેમના અભિગમ, ધ્યેય અને અમેરિકન લોકોની સુખાકારી માટેની ઈચ્છા શક્તિ જોઈ બરાક ઓબામાના પ્રેમમાં પડી હતી. આજે પણ તેમનો પ્રત્યેક દિવસ એ કામને આગળ ધપાવવામાં જાય છે. જો તમને લાગતું હોય કે અમેરિકાના બીજી ટર્મના પ્રેસિડેન્ટ માટે બરાક ઓબામા યોગ્ય વ્યક્તિ હોય તો અમને ૧૦ ડોલર કે તેથી વધુ ફાળો આપી મદદ કરજો''.... મિશેલ ઓબામા. આ પ્રકારના મેસેજ મિસેલ ઓબામા તરફથી અનેક લોકો પર મોકલવામાં આવ્યો હતો.
અને એ રાત્રે શાર્લોટ નામના શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં મિશેલ છવાઈ ગયા. બીજા રાજકારણીઓ ઝાંખા પડી ગયા. અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીને હવે આઠ અઠવાડિયાં બાકી છે ત્યારે આખી દુનિયાની નજર અમેરિકામાં ચાલી રહેલી ચૂંટણી ઝુંબેશ પર છે. નોર્થ કેરોલિનામાં શાર્લોટ ખાતે ડેમોક્રેટિક પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું ત્યારે ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ તેમના પતિ બરાક ઓબામાના પ્રતિસ્પર્ધી મીટ રોમ્નીનું એક પણ વાર નામ લીધા વગર પ્રમુખનાં પત્ની તરીકે અંગત જીવનની અંતરંગ વાતો કહી અમેરિકાના મધ્યમવર્ગના લોકોની લાગણીઓને સ્પર્શવા પ્રયત્ન કર્યો.
ડેમોક્રેટિક પાર્ટીના ડેલિગેટ્સના રાષ્ટ્રીય સંમેલનને સંબોધતાં મિશેલ ઓબામાએ કહ્યું: ''મારા પતિ ચાર વર્ષ સુધી અમેરિકાના પ્રેસિડેન્ટ રહ્યા, પરંતુ પ્રમુખ બનવાના કારણે બરાક ઓબામાના વ્યક્તિત્વમાં કોઈ ફરક પડયો નથી. ૨૩ વર્ષ પહેલાં હું મારા હસબન્ડને ચાહતી હતી તે કરતાં આજે હું વધુ ચાહું છું. ઘણા લોકો મને પૂછે છે કે ''મારા હસબન્ડ પ્રેસિડેન્ટ બન્યા અને વ્હાઈટહાઉસમાં રહેવા ગયા તેથી તેમનામાં કોઈ પરિવર્તન આવ્યું છે ખરું ?'' હું પ્રામાણિક્તાપૂર્વક કહું છું કે, ચારિત્ર્ય, તેમની ધ્યેય નિષ્ઠા અને હૃદયથી તેઓ પહેલાં જેવા હતા તેવા જ છે.''
મિશેલ ઓબામાએ કહ્યું: ''મારા પતિએ વર્ષો પહેલાં ઊંચાં વેતનોવાળી નોકરીઓ ઠુકરાવીને અમારા વિસ્તારમાં એક સ્ટીલ પ્લાન્ટ બંધ પડી જવાના કારણે સંઘર્ષ કરી રહેલા લોકો વચ્ચે રહીને કામ કરવાનું પસંદ કર્યું હતું. ભાંગી પડેલાં લોકોના સમાજને બેઠો કરી તેમને કામ મળે તે માટે પ્રયાસો કર્યા હતા. મારા હસબન્ડ માને છે કે, તમે કેટલા પૈસા કમાવ છો તે અગત્યનું નથી, પણ લોકોનું જીવન તમે કેટલું બદલી શકો છો ત અગત્યનું છે.''
તેઓ કહે છેઃ ''અમારી પહેલી દીકરી જન્મી ત્યારે થોડી થોડીવારે તેનાં વસ્ત્રો અને સુવાની વ્યવસ્થા ચકાસતા હતા. અમારી બાળકીના શ્વાસોચ્છ્વાસ ચાલે છે કે નહીં તે પણ જોઈ લેતા હતા. કોઈ મળવા આવે તો ગૌરવપૂર્વક અમારી દીકરીઓ તેમના મિત્રોને બતાવતા હતા. મારા હસબન્ડ એ વખતે જેવા હતા તેવા આજે પણ છે. આજે તેઓ પ્રેસિડેન્ટ છે પરંતુ રોજ રાત્રે મારી અને મારી દીકરીઓ સાથે બેસીને રાતનું ડિનર લેવાનું પસંદ કરે છે. મારી દીકરીઓ અખબારોમાં છપાયેલા સમાચારો અને તેમની સ્કૂલની સખીઓએ પૂછેલા પ્રશ્નો વિશે કોઈ પૂછપરછ કરે તો તેઓ શાંતિથી તેમને જવાબ આપે છે. મોડી રાત સુધી તેઓ તેમના ટેબલ ઉપર બેસી આવેલા પત્રો ઝીણવટથી વાંચે છે. એમાં કેટલાંક એવા પણ પત્રો હોય છે જેમાં કોઈ ગરીબ વ્યક્તિએ કેન્સરથી મૃત્યુ તરફ ધસી રહેલી તેની પત્નીની દવાનું બિલ ભરવા માટે નાણાંની મદદ પણ માંગી હોય. ઈન્સ્યોરન્સ કંપની દર્દીને મદદ ના કરતી હોય ત્યારે એવા ગરીબો મારા પતિની મદદ માંગે છે. એ પત્રો વાંચતી વખતે મારા હસબન્ડની આંખોમાં દર્દ અને વેદના હું જોઈ શકું છું. એ પછી તેઓ મને કહે છે કે, 'મિશેલ ! આપણે લોકો માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. મને તેમની આંખોમાં નિર્ણયશક્તિ દેખાય છે. સંઘર્ષ કરતા લોકો માટેની આશા અને તેમની સુખાકારી માટેનાં સ્વપ્નો હું તેમની આંખોમાં જોઈ શકું છું. અને તેમની આ જ ચિંતા મારા હસબન્ડનું દરેક દિવસનું પ્રેરકબળ બની રહે છે.''
મિશેલ કહે છેઃ ''મારા હસબન્ડ વર્ષો પહેલાં મને ડેટ પર લઈ જવા માટે કાર લઈને આવતા હતા અને એ વખતે જેવા હતા તેવા જ આજે પણ છે. તેમને આજે પણ અમેરિકાના મધ્યમવર્ગના સંઘર્ષની, ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરવા નડી રહેલી ઊંચી ફીની, સ્ત્રીઓને પણ પુરુષો જેટલાં જ વેતન મળે તેની, તથા આરોગ્ય સેવાઓમાં સુધારાની ચિંતા છે. અમારી સફળતામાં શાળાના શિક્ષકોથી માંડીને સ્કૂલોને સ્વચ્છ રાખતા કર્મચારીઓનો પણ ફાળો છે. અમેરિકાના અર્થતંત્રને નવું સ્વરૂપ આપવાનો સવાલ આવે છે ત્યારે મારા હસબન્ડ, મારા ડેડ અને તેમના ગ્રાન્ડ ફાધર જેવી વ્યક્તિઓનો વિચાર કરે છે. બરાક ઓબામા માને છે કે, આપણા દાદા-દાદીઓને પોસાય તેવા ભાવે દવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. આપણાં બાળકો બીમાર પડે ત્યારે તેમને તબીબી સવલતો મળવી જોઈએ. તબીબી સારવારના અભાવે કોઈ મરવું ન જોઈએ. મારા હસબન્ડ મીડલકલાસ અમેરિકનોની તકલીફો અને સંઘર્ષને જાણે છે, કારણ કે એ બધી જ તકલીફો તેમને ભોગવી છે.''
શાર્લોટના વિશાળ ઓડિટોરિયમમાં બીજા અનેક વક્તાઓ હતા, પરંતુ સ્ટાર પ્રચારક તો મિશેલ ઓબામા જ હતાં. ઓડિટોરિયમમાં સ્ત્રીઓ હતી, આફ્રિકન- અમેરિકન્સ હતા. હિસ્પેનિક- અમેરિકન્સ હતા, વિવિધ દેશોમાંથી આવીને વસેલા અમેરિકનો તથા યુવાનો પણ હતા. ઈન્ડિયન અમેરિકન એકટર કેલપેન પણ હતા. પ્રભાવશાળી ઓડિયન્સને સંબોધતાં મિશેલ બોલ્યા હતાઃ ''મારા હસબન્ડને દરેક અમેરિકનનું શું ડ્રીમ છે તેની ખબર છે, કારણ કે તે ડ્રીમ બરાક ઓબામા પણ બચપણથી જોતા આવ્યા છે. તમે સહુ મારા હસબન્ડની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહો. આ દેશને કોઈ આગળ લઈ જઈ શકે તેમ હોય તો તે મારા હસબન્ડ, આપણા સહુના પ્રેસિડેન્ટ, પ્રેસિડેન્ટ બરાક ઓબામા જ છે.''
અને આ રીતે મિશેલ ઓબામાએ તેમના પતિ માટેની ચૂંટણી ઝુંબેશ શરૂ કરી. ચૂંટણી પૂર્વે લેવાયેલા લેટેસ્ટ ઓપિનિયન પોલમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બરાક ઓબામા તેમના પ્રતિસ્પર્ધી અને રિપબ્લિકન પક્ષના ઉમેદવાર મીટ રોમ્ની કરતાં સહેજ જ આગળ છે. અલબત્ત, અમેરિકાનું કથળતું અર્થતંત્ર અને છેલ્લા ૪૨ મહિના દરમિયાન વધેલી બેકારીના મુદ્દા તેમની મુશ્કેલીઓ છે. અગાઉની મહામંદી પછી આટલી બધી બેકારી બાદ કોઈ પ્રેસિડેન્ટ ફરી ચૂંટાયા નથી, છતાં બરાક ઓબામા આશાવાદી છે. બરાક ઓબામાના પ્રતિસ્પર્ધી મીટ રોમ્ની પૈસાદારોના પ્રતિનિધિ અને સ્વિસ બેંકોના પૈસા છુપાવતા હોવાના આરોપ થયેલા છે. સ્પર્ધા તીવ્ર અને કસોકસની છે. ઓબામા પાસે ટેરેરિસ્ટ ઓસામા બિન લાદેનને ખતમ કરી નાંખ્યો તે ચૂંટણીમાં કામ લાગે તેવો એક મહત્ત્વનો મુદ્દો છે
એ જ રીતે થયેલા બીજા એક સર્વેક્ષણ અનુસાર મિશેલ ઓબામા, તેમના પતિ બરાક ઓબામા, રિપબ્લિકન પક્ષના ઉમેદવાર મીટ રોમ્ની અને તેમનાં પત્ની એન કરતાં લોકપ્રિયતામાં વધુ ઊંચું રેટિંગ ધરાવે છે.
અમેરિકાના પ્રેસિડેન્ટની આ ચૂંટણીની બીજી નોંધપાત્ર ઘટના એ છે કે, ડેમોક્રેટિક પાર્ટીની ભીતર બરાક ઓબામા અને બિલ કિલન્ટન વચ્ચે સુમધુર સંબંધો ના હોવા છતાં બિલ કિલન્ટને જ ઓબામાના નામની દરખાસ્ત કરી. યાદ રહે કે, ૨૦૦૮ની ચૂંટણી વખતે ડેમોક્રેટિક પાર્ટીમાં પ્રમુખપદની ચૂંટણીની ટિકિટ લેવા માટે બરાક ઓબામા અને બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી કિલન્ટન આમનેસામને હતાં. વોટિંગમાં બરાક ઓબામા મેદાન મારી ગયા હતા. આ બીના બાદ બિલ કિલન્ટનનું મન ખાટું થઈ ગયું હતું. કિલન્ટને ઓબામા વિશે ઘસાતી ટીકા પણ કરી હતી પરંતુ બરાક ઓબામાએ હિલેરી કિલન્ટનને તેમના મંત્રીમંડળમાં સ્થાન આપી સંબંધો સુધારવાની પહેલ કરી હતી. બિલ કિલન્ટન આજે પણ અમેરિકામાં એક લોકપ્રિય રાજપુરુષ છે. મિશેલ ઓબામાએ તેમના પતિ માટે શાર્લોટમાં પ્રવચન કર્યું. તે ઓર્ડિયન્સમાં હિલેરી કિલન્ટન ગાયબ હતાં. પાર્ટીનાએ અધિવેશન વખતે હિલેરી કિલન્ટન પૂર્વ એશિયાના દેશોની ટૂર પર હતા. અલબત્ત શાર્લોટથી ૧૫,૦૦૦ કિલોમીટર દૂર ટીવી પર પોતાના પતિ શું બોલે છે તે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યાં હતાં. બની શકે કે હવે પછીની ચૂંટણીઓમાં હિલેરી ક્લિન્ટનને અમેરિકાના પ્રમુખ પદની ટિકિટ મળે.
- દેવેન્દ્ર પટેલ

મારું કેન્સર મારા જીવનનો એક અધ્યાય પણ રહ્યો છે (કભી કભી)



એનું નામ છે આનંદા.
આખું નામ છે આનંદા શંકર. આનંદા દેશનાં સુપ્રસિદ્ધ કલાસિકલ ડાન્સર છે. તેમને પદ્મશ્રી સહિત કેટલાંયે રાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યાં છે. ૨૦૦૮ના વર્ષમાં તેમને સ્તનનું કેન્સર થઈ ગયું. આ ખબર બહાર આવતાં જ તેમનાં ચાહકવર્ગમાં નિરાશા ફેલાઈ ગઈ. પરંતુ આનંદાની નૈતિક હિંમતે તેમને ફરી સ્વસ્થ કરી દીધાં. મજબૂત ઈચ્છા શક્તિના કારણે તેમણે આ ગંભીર બીમારી પર વિજય પ્રાપ્ત કરી લીધો.
  • સુપ્રસિદ્ધ નર્તકી ડો. આનંદા શંકરે તેમને થયેલા કેન્સર પર મેળવેલા વિજયની કથા
આનંદા શંકરની નૃત્ય પ્રત્યેની લગની બચપણમાં જ શરૂ થઈ હતી. માત્ર ચાર જ વર્ષની હતી ત્યારે સિકંદરાબાદના સુબ્રહ્મણ્યમ મંદિરમાં કોઈએ એને જોઈને એની માતા સુભાષીની શંકરને કહ્યું હતું : ''તમારી દીકરી વિસ્ફારીત આંખો જોતાં લાગે છે કે, તમારે તેને નૃત્યની તાલીમ આપવી જોઈએ. એ પછી તેને પહેલા શરદ કેશવ રાવ પાસે નૃત્યુની તાલીમ આપવા મોકલી હતી. માત્ર ૧૧ વર્ષની વયે નૃત્યમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો અને ચેન્નાઈની 'કલાક્ષેત્ર' સંસ્થામાં દાખલ થઈ ભરત નાટયમ્, કર્ણાટક સંગીત, વીણા, નૃત્ય થિયરી, ફિલોસોફીનું શિક્ષણ અને તાલીમ લીધાં હતાં. હૈદરાબાદ આવ્યા બાદ તેણે કુચીપુડી નૃત્ય પણ શીખી લીધું હતું. માત્ર ૧૭ વર્ષની વયે તે ડાન્સ ટિચર બની ગઈ હતી. નૃત્ય ઉપરાંત તેણે ઈતિહાસ, સંસ્કૃતિ, અને આર્િકયોલોજીમાં એમ.એ. કરી લીધું. ત્યાર પછી ''પ્રમોશન ઓફ ટૂરિઝમ ઓફ ઈન્ડિયા''ના વિષય પર પીએચ.ડી. પણ કર્યું. વિશ્વપ્રવાસી આનંદા શંકરનાં ડાન્સપ્રોડકશન્સ ''શ્રી કૃષ્ણમ્ વંદે જગદગુરુમ'' અને ''બુદ્ધ શરણમ્ ગચ્છામી '' અત્યંત જાણીતાં છે.
આનંદા શંકરની કહાણી તેમના જ શબ્દોમાં જુઓ : ''જ્યારે હું ચાર વર્ષની હતી. ત્યારે મારી મા મને ડાન્સ શીખવાનું કહેતી હતી. મેં બચપણથી જ નૃત્ય શીખવાનું ચાલુ કર્યું. પુષ્કળ પરિશ્રમ કરીને મેં કલાસિકલ ડાન્સ શીખી લીધો. એ પછી શાસ્ત્રીય નૃત્યને જ મેં મારું જીવન બનાવી દીધું. નૃત્ય જ મારી પ્રેરણા અને નૃત્ય જ મારી તાકાત બની ગઈ. દેશ-વિદેશમાં મેં કલાસિકલ ડાન્સના સેંકડો શો કર્યા. શાસ્ત્રીય નૃત્યના કારણે જ મને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર મને કેટલાંયે એવોર્ડ્સ પ્રાપ્ત થયા. ભારતનો શ્રેષ્ઠ એવોર્ડ 'પદ્મશ્રી' પણ મને એનાયત થયો. એ ૨૦૦૭નું વર્ષ હતું. આ એવોર્ડ મળવાથી હું બહુ જ ખુશ હતી.
પરંતુ તા.૧ જુલાઈ ૨૦૦૮ના રોજ મને આઘાતજનક ખબર મળ્યા. ડોક્ટરોએ મને બ્રેસ્ટ કેન્સર હોવાનું કહ્યું. હું સ્તબ્ધ બની ગઈ. ઊંડા આઘાતમાં સરી પડી. 'કેન્સર' શબ્દ સાંભળતાં જ હું ગભરાઈ ગઈ. હું હતાશ થઈ ગઈ. મેં કેન્સર, સ્ટેજ, ગ્રેડ, રેડિએશન અને ક્મિોથેરપી જેવા શબ્દો સાંભળ્યા હતા પરંતુ હવે મને ડરનો અહેસાસ થયો. અત્યાર સુધી 'કેન્સર'ને એક રાશી તરીકે પણ હું ઓળખતી હતી. સ્ટેજને હું રંગમંચ સમજતી હતી જ્યાં નૃત્ય કરી શકાય. ગ્રેડને પરીક્ષામાં અપાતા અંકો જ સમજતી હતી. એવા ગ્રેડ મને સ્કૂલમાં મળતા હતા. પરંતુ હવે ડોક્ટર મને કેન્સર ક્યા સ્ટેજમાં છે અને ક્યા ગ્રેડનું છે તે સમજાવી રહ્યા હતા. ડોક્ટરોની વાત સાંભળતાં જ મારું હૃદય ધ્રૂજી ઊઠયું. મને લાગ્યું કે હવે બધું જ ખતમ થઈ ગયું. જીવન, નૃત્ય, આશાઓ- એ બધું જ સમાપ્ત થઈ ગયું હોય એમ લાગ્યું. જાણે કે હું અંધકારની ગર્તામાં સરી પડી. મારા જીવન પર આ એક પ્રકારનો વજ્રઘાત હતો.
એક નર્તકીના રૂપમાં મેં ક્રોધ, ધૃણા, હાસ્ય તથા ભય જેવા નવ રસ બહુ જ આસાનીથી વ્યક્ત કરતાં શીખી લીધું હતું પરંતુ હવે હું સાચા અર્થમાં ભયભીત હતી. જે ભાવોને હું ડાન્સ દરમિયાન અભિવ્યક્ત કરતી હતી તે સાચુકલા ભાવનો મને અહેસાસ થયો. મને લાગ્યું કે હવે મારા જીવનનો ટૂંકમાં જ અંત છે.
હું ખૂબ રડી. મેં મારા પતિ જયંતને પૂછયું : ''શું હવે મારા જીવનનો અંત નજીકમાં જ છે ? શું હવે હું કદી પણ નૃત્ય કરી શકીશ નહીં ? હવે કેટલા દિવસો મારા માટે બચ્યા છે ?''
મારા દિમાગમાં આવા હજારો સવાલ હતા. હું મારી જાતને સંભાળી શક્તી નહોતી. મારા પતિએ મને સાંત્વના આપવા પ્રયત્ન કર્યો. મારા પતિ કે જેઓ ખુદ એ સકારાત્મક દૃષ્ટિકોણવાળા માનવી છે. તેમણે મને સમજાવ્યું: ''નહીં, આનંદા ! આ પણ તારા જીવનનો એક દોર છે. આ સમય પણ ગુજરી જશે. અને આ સમય વીતી ગયા બાદ તું ફરીથી નૃત્ય કરી શકીશ.''
મારા પતિની વાત સાંભળ્યા બાદ મેં મારી નૈતિક તાકાત કેળવવા પ્રયાસ આદર્યો. પહેલાં તો મને લાગતું હતું કે મારું જીવન મારા જ નિયંત્રણમાં છે, પરંતુ મને કેન્સર છે એ વાત જાણ્યા બાદ મારી જીવન પ્રત્યેની દૃષ્ટિ જ બદલાઈ ગઈ. મને લાગ્યું કે, આપણું જીવન ત્રણ બાબતો પર નિયંત્રિત છે- વિચાર, મસ્તિષ્ક અને કાર્ય. એ સમય મારા જીવનનો અત્યંત નાજુક સમય હતો. હું એ પીડામાંથી બહાર નીકળવા માંગતી હતી. મેં કેન્સર સામે લડવાનો નિર્ણય કરી લીધો. મે મારી આંખોના આંસુ લૂછી નાંખ્યા. મેં જાતે જ લોકોને કહેવાનું શરૂ કર્યું: ''હા, મને કેન્સર છે, પરંતુ મારા જીવનનો તે એક અધ્યાય માત્ર છે. હું જલદીથી તેમાંથી બહાર આવી જઈશ.''
સાચું કહું ? મેં મારી બીમારી લોકોથી છૂપાવવાના બદલે, મેં જ સામેથી મારા મિત્રો અને સગાંસંબંધીઓને મારી બીમારી અંગે જાણ કરી. મેં એે બધાંને સાફ કહી દીધું : ''મને કેન્સર છે, પણ મને કોઈ સહાનુભૂતિની જરૂર નથી. લોકો મારી તરફ સહાનુભૂતિ વ્યક્ત કરે તે હું બિલકુલ ચાહતી નથી. લોકો મને 'બિચારી' કહીને બોલાવે તેવું હું જરા પણ ઈચ્છતી નથી.
એ પછી મારી ખરી પરીક્ષા શરૂ થઈ. મારો ઈલાજ શરૂ થયો. એ કઠણ સમય હતો. મને કિમોથેરપી આપવામાં આવી. મને લાગ્યું કે, મારા આખા શરીરમાં આગ લાગી ગઈ છે. મારા માથાના વાળ જતા રહ્યા. ઈલાજ શરૂ થયાના ત્રણ જ મહિનામાં એક ખૂબસુરત સ્ત્રી જાણે કે કમજોર અને અશક્ત મહિલા બની ગઈ. સામાન્ય રીતે હું સતત ત્રણ કલાક નૃત્ય કરી શકતી હતી, પણ હવે હું સારવાર દરમિયાન વિમાનનાં પગથિયાં પણ ચડી શકતી નહોતી. આ એક દર્દનાક સમય હતો. મેં મારી જાતને સમજાવી કે આંસુ અને ભયને મારા પર રાજ કરવા નહીં દઉં. અલબત્ત, એ કઠણ કાળમાંથી બહાર આવવા માટે મારે કોઈની મદદની જરૂર હતી. અને એ મદદ મારા નૃત્યએ જ મને કરી. મારા નૃત્યએ જ મને પ્રેરણા આપી. નૃત્યના કારણે જ કેન્સર સામે લડવાની મને તાકાત મળી. મેં નક્કી કરી નાખ્યું કે, મારે એક દિવસ ફરી સ્ટેજ પર જઈ નૃત્ય કરવા જીવવું છે, અને હું બચી જઈશ. એક ખતરનાક આઘાતમાંથી બહાર આવવા મેં કરેલો સંઘર્ષ એક યુદ્ધથી ઓછો નહોતો. આ એક મુશ્કેલ લડાઈ હતી, પણ હું એ જંગ જીતવામાં કામયાબ રહી.
મારે તમને કહેવું જોઈએ કે મારા એ જીવન માટેના સંઘર્ષના સમયમાં પણ હું ડાન્સ સ્ટુડિયો જતી હતી. મેં નૃત્યની ઝીણવટભરી બાબતોનો ફરી અભ્યાસ શરૂ કર્યો. મેં નૃત્યની ભાવભંગિમાઓ અને દર્શન પર નવી જ દૃષ્ટિથી મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. એ દરમિયાન મારી પણ સર્જરી પર કરવામાં આવી. સર્જરીના થોડા અઠવાડિયાઓ બાદ હું ફરી સ્ટેજ પર ગઈ. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે કિમોથેરપી અને રેડિએશનની સારવાર દરમિયાન પણ હું ડાન્સ સ્ટુડિયોમાં જતી હતી. મને ડાન્સ સ્ટુડિયોમાં જોઈ બધાને આશ્ચર્ય થતું હતું. પરંતુ હું સહજ હતી. સાચું કહું? ડાન્સ કરતી વખતે હું મારું બધુ જ દર્દ ભૂલી જતી હતી... અને એ રીતે હું મારી બીમારીમાંથી બહાર આવવામાં સફળ રહી.
મારી કહાણી કોઈ વ્યક્તિ વિશેષની દાસ્તાન નથી. આ કહાણી ઘોર નિરાશા પર આશાની જીતની કહાણી છે. આપણા જીવનમાં મુશ્કેલીઓ અને પડકારો તો આવશે જ, જેને આપણે રોકી શકતા નથી. પરંતુ આ કહાણી એ વિચારોની તાકાતની કહાણી છે. આ કહાણી એ સકારાત્મક વિચારોથી થતી જીતની કહાણી છે. આ કહાણી વિકલ્પની તાકાતના બ્યાનની કહાણી છે. જો તમારા વિચારો બુલંદ હોય અને બહેતર વિકલ્પ પસંદ કરો તો જીવનની મોટામાં મોટી મુશ્કેલી સામે તમે લડી શકો છો. જીવનનો મુશ્કેલ સમય તમને તમારી આંતરિક તાકાતની અનુભૂતિ કરવાની તક બક્ષે છે. આજે મને લાગે છે કે, મેં કેન્સરના મેદાનમાં એક યુદ્ધ જીતી લીધું છે. હું નથી ઈચ્છતી કે લોકો મને કેન્સર હોવા છતાં બચી ગયેલી મહિલા તરીકે ઓળખે. હું ઈચ્છું છું કે, લોકો મને કેન્સર સામે વિજય પ્રાપ્ત કરનારી મહિલા તરીકે યાદ રાખે.''
ડો. આનંદા શંકર કહે છેઃ ''નૃત્ય મારા જીવનનો અર્ક છે. તમારા નામની આગળ કોરિયોગ્રાફર શબ્દ લગાડતાં પહેલાં તેને સમજો,વિચારો અને નવી દુનિયાનું સંશોધન કરો. કોઈનીયે નકલ ના કરો. યોગ્ય ગ્રુપ સાથે ફ્રી લાન્સ પરફોર્મ કરો. પીઠ પાછળ કોઈનીયે બદબોઈ ના કરો. તમારે જ આ મશાલ આગળ લઈ જવાની છે.
- દેવેન્દ્ર પટેલ

દીકરી એ દીકરી છે, એને કહો કે પિયર આવી જાય (કભી કભી)



અંજલિએ એના પતિ યોગેન્દ્રને કહ્યું: ''મને મમ્મી-પપ્પા યાદ આવ્યા છે, મૂકવા આવશો ?''
અંજલિ અવારનવાર એ રસ્તા પર થઈ જતી હતી. એક દિવસ યોગેન્દ્રની નજર બસ અડ્ડા પર ઊભેલી અંજલિ પર પડી. યોગેન્દ્ર પહેલી જ નજરમાં અંજલિ પર વારી ગયો. અંજલિ બસમાં બેસીને જતી રહી, પણ યોગેન્દ્ર અંજલિનું સ્મિત ભૂલી શક્યો નહીં. યોગેન્દ્ર ગામડાંઓના નાના રસ્તાઓ બનાવવાના કોન્ટ્રાક્ટ રાખતો હતો. તે હવે રોજ બસ અડ્ડા પાસે આવીને ઊભો રહેવા લાગ્યો. આજે ફરી અંજલિ એની એ જ બસમાં બેઠી. યોગેન્દ્ર પણ બસમાં બેસી ગયો. બસ ઈટાવાથી મોહબ્બતપુર જઈ રહી હતી. એ દિવસ તો એ કોઈ વાત કરી શક્યો નહી. ધીમે ધીમે એણે મોહબ્બતપુરા ગામના લોકો સાથે ઘરોબો કેળવી જાણી લીધું કે અંજલિ મોહબ્બતપુરા ગામનાં વેદરામ જાટવની પુત્રી છે. મિત્રોએ એને સલાહ આપી કે 'અંજલિ જાટવ જ્ઞાતિની છોકરી છે તેથી દૂર રહેજે.'
યોગેન્દ્ર લોધી રાજપૂત હતો. તેને ખબર હતી કે બેઉની જાતિ અલગ હોવાથી એમના સંબંધને સામાજિક માન્યતા મળશે નહીં, છતાં યોગેન્દ્ર અંજલિને પામવા મક્કમ હતો. યોગેન્દ્રએ મોહબ્બતપુરા ગામના રસ્તાનો જ કોન્ટ્રાક્ટ લઈ લીધો. રસ્તા પર જ કેમ્પ ઊભો કરી દીધો. એક દિવસ એણે અંજલિને એકલી આ તરફ આવતા જોઈ. યોગેન્દ્રએ હિંમતપૂર્વક કહ્યું: ''તમારું નામ... ?''
''અંજલિ.''
''તમે સરસ લાગો છો.''
''મને ખબર છે.''
''આટલી ગરમીમાં ક્યાં જાવ છો ?''
''તમને શું ?''કહેતા અંજલિ જતી રહી.
પણ એ દિવસ બાદ અંજલિ પણ રોજ એ જ સમયે ત્યાંથી પસાર થવા લાગી. યોગેન્દ્ર તેને રોકતો, અલપ ઝલપ વાતો કરી લેતો. અંજલિ પણ સરસ તૈયાર થઈને આવતી. યોગેન્દ્રને પણ ખ્યાલ આવી ગયો કે શાયદ અંજલિને પણ તેને પસંદ કરે છે. એક દિવસ અંજલિ એ જ યોગેન્દ્રને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું. યોગેન્દ્ર અંજલિના ઘેર ગયો. અંજલિની માતાએ રસ્તો બનાવતો ઠેકેદાર પોતાના ઘેર આવ્યો હોઈ આનંદ વ્યક્ત કર્યો. ચા પણ પીવરાવી. એ પછી અંજલિ પણ યોગેન્દ્રના કેમ્પ પર અવારનવાર જવા લાગી. એક દિવસ યોગેન્દ્રએ કહ્યું: ''અંજલિ, તમે મને ગમો છો.''
અંજલિએ આંખો નીચે રાખતાં ધીમેથી બોલીઃ ''મને પણ તમે ગમો છો.''
બેઉ યુવાન હતાં. એક જ ઉંમરનાં હતાં. બેઉ અપરિણીત હતા. અંજલિ હજુ કોલેજમાં ભણતી હતી. યોગેન્દ્રએ હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો હતો. અંજલિ રોજ બસમાં બેસી કોલેજ જતી. બેઉ હવે બહાર મળવા લાગ્યાં. પિકચર જોવા પણ જતાં. બગીચામાં બેસી કલાકો સુધી વાતો કરતાં. સાથે જ જીવવાના અને સાથે જ મરવાના સોગંધ ખાધા.
એક દિવસ યોગેન્દ્ર અંજલિના ઘેર અંદર બેઠેલો હતો. એકાએક અંજલિની બહારગામ રહેતી પરિણીત બહેન આરતી અચાનક આવી. ઘરમાં અંજલિ સાથે જે રીતે યોગેન્દ્ર બેઠો હતો તે રીત એને પસંદ ના આવી. યોગેન્દ્રના ગયા બાદ આરતીએ અંજલિને ઠપકો આપ્યોઃ ''આવા અજાણ્યા માણસને ઘરમાં બોલાવવો તે ઠીક નથી.''
અંજલિએ કહ્યું : ''દીદી, એ સારો છોકરો છે.''
આરતીએ ઊંડી નજરે અંજલિની ભાવભંગિમા નિહાળી. તેને સમજતાં વાર જ ના લાગી કે કાંઈક ગરબડ છે. આરતીએ પૂછપરછ કરી જાણી લીધું કે યોગેન્દ્ર જાટવ જ્ઞાતિનો નથી, બલકે લોધી રાજપૂત છે. એણે ઘરમાં વાત કરી દીધી, આરતીએ એના પિતાને કહ્યું: ''બાબુજી ! અંજલિ પર નજર રાખો, નહીંતર આપણે કોઈને મોં બતાવવા લાયક રહીશું નહીં.''
અંજલિના માતાપિતાએ હવે અંજલિ પર કડક પ્રતિબંધ મૂકી દીધા. અંજલિનું ઘરમાંથી બહાર નીકળવાનું બંધ થઈ ગયું. કેટલાયે દિવસો સુધી અંજલિ દેખાઈ નહીં, યોગેન્દ્ર સમજી ગયો કે એના ઘરમાં બધાંને ખબર પડી ગઈ છે. એ દરમિયાન અંજલિને ખ્યાલ આવી ગયો કે તે ગર્ભવતી છે. હવે તે ગભરાઈ. એક દિવસ ઘરમાં કોઈ નહોતું એણે ફોન કરીને યોગેન્દ્રને કહ્યું: ''યોગેન્દ્ર ! હું તારા બાળકની મા બનવાની છું. જલદી મને લઈ જા. આપણે લગ્ન કરી લઈએ.''
બે દિવસ બાદ એણે ફરી ફોન કર્યો. યોગેન્દ્રએ કહ્યું : ''રાતના સમયે તું મારા કેમ્પ પર આવી જા. મેં લગ્નની તૈયારીઓ કરી લીધી છે.''
એક રાત્રે બધાં ઊંઘી ગયા હતા ત્યારે અંજલિ ચૂપચાપ ઊઠી. ધીમેથી બારણું ખોલી મધરાતે ઘરમાંથી બહાર નીકળી ગઈ અને સીધી યોગેન્દ્રના કેમ્પ પર પહોંચી. રાત્રે જ મોટરસાઈકલ પર બેઉ ભાગી ગયાં. બીજા દિવસે સવારે અંજલિને ઘરમાં ના જોતા તેના પિતા વેદરામ જાટવ ચોંકી ઊઠયા. માત્ર ઘરમાં જ નહીં, પણ આખા ગામમાં તોફાન મચી ગયું. ઠેકેદાર યોગેન્દ્ર પણ ગુમ હતો. બધાને વાત સમજાઈ ગઈ કે, યોગેન્દ્ર અંજલિને ભગાડી ગયો છે. મેદરામ જાટવે યોગેન્દ્રના માતા-પિતાના ગામનું સરનામું શોધી કાઢયું પણ યોગેન્દ્ર તેના વતનમાં પણ નહોતો. અંજલિ અને યોગેન્દ્રની ખૂબ તપાસ કરી પણ બેઉ તેઓને મળ્યાં નહીં. આ તરફ યોગેન્દ્રએ મૈનપુરાના શીતલા માતાના મંદિરમાં અંજલિ સાથે લગ્ન કરી લીધા હતા. એક વકીલ દ્વારા લગ્નનું રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું. એક લોધી રાજપૂત એક જાટવની દીકરીને ભગાડી ગયો હોઈ આખો જાટવ સમાજ ખફા હતો.
પરંતુ સમય વહેતો ગયો. કેટલાંયે મહિનાઓ સુધી અંજલિ અને યોગેન્દ્ર છુપાઈને દૂર દૂર રહેતાં હતાં. અંજલિના માતા-પિતાએ પણ હવે આશા મૂકી દીધી હતી. આ તરફ યોગેન્દ્રને ખબર પડી કે અંજલિના પિતાએ અંજલિ ગુમ થવા અંગે કોઈ પોલીસ ફરિયાદ હજુ લખાવી નથી એટલે એને રાહત થઈ. કેટલાક મહિનાઓ બાદ તે મૈનપુરીમાં એક રૂમ ભાડે લઈ અંજલિ સાથે રહેવા લાગ્યો. અંજલિએ હવે એક દીકરીનો જન્મ પણ આપ્યો હતો. યોગેન્દ્ર હવે તેના માતા-પિતાના ઘરે પણ જવા લાગ્યો.
કેટલાંક સમય બાદ વેદરામ જાટવનો મોટો પુત્ર યોગેન્દ્રના માતા-પિતાના ઘેર ગયો. રામ રામ કર્યા. બહુ જ નમ્રતાથી કહ્યું: ''જુઓ બહુ દિવસથી મેં મારી બહેન અંજલિને જોઈ નથી. મારા માતા-પિતા પણ બધું ભૂલી ગયાં છે. દીકરી એ આખરે દીકરી છે. અંજલિને કહો કે એક દિવસ પિયર આવી જાય. કોઈ એને લડશે નહીં.''
અંજલિનો ભાઈ રીતસર કરગરી રહ્યો. યોગેન્દ્રના માતા-પિતાએ કહ્યું: ''એક દિવસ અંજલિને પિયર જરૂર મોકલીશું.''
થોડા દિવસ પછી યોગેન્દ્રને સમજાવી અંજલિને તેના પિયર મોકલી. ઘરનાં સભ્યો અંજલિને એક દીકરી સાથે આવેલી જોઈ બહુ જ રાજી થઈ ગયાં. અંજલિના માથા પર હાથ ફેરવ્યો બધાં બહુ જ રડયાં. અંજલિએ ભાગી જઈને લગ્ન કરવા બદલ માફી માંગી. વેદરામ જાટવે કહ્યું: ''બેટા, તને એ છોકરો એટલો બધો ગમતો હતો તો તે તારો નિર્ણય મને કહ્યો કેમ નહીં ?''અંજલિ બોલીઃ ''પિતાજી, મારી હિંમત ચાલી નહીં.''
બે દિવસ અંજલિ પિયરમાં રહી તેને માબાપે સ્વીકારી લીધી હોઈ તે બહુ જ ખુશ થઈ ગઈ. અંજલિ હવે તેના પતિના ઘરે જવા નીકળી. એના પિતાએ કહ્યું: ''બેટા, યોગેન્દ્રને કહેજે કે અમે તેને પણ માફ કરી દીધો છે. તે ખુશીથી અહીં આવી શકે છે. તું ફરી આવે ત્યારે જમાઈને લેતી આવજે.''
અંજલિ રાજી રાજી થઈ ગઈ. મૈનપુરી પહોંચી એણે એના પતિ યોગેન્દ્રને વાત કરી યોગેન્દ્રને પણ ખૂબ રાહત થઈ. કેટલાક દિવસ બાદ અંજલિને ફરી એનું પિયર યાદ આવ્યું. એણે યોગેન્દ્રને કહ્યું : '' મને મારાં મમ્મી પપ્પા યાદ આવ્યા છે. તમે મને મૂકવા આવશો ? એ બહાને બધો રાજીપો થઈ જાય.''
યોગેન્દ્રએ હા પાડી, બીજા દિવસે યોગેન્દ્ર મોટરસાઈકલ પર અંજલિ અને તેના નાના બાળકને લઈ મોહબ્બતપુરા જવા નીકળ્યો. અંજલિએ અગાઉથી ફોન કરી જાણ કરી રાખી હતી. યોગેન્દ્રએ ઘરની બહાર મોટરસાઈકલ પાર્ક કરી. તે અંજલિ સાથે સસરાના ઘરમાં પ્રવેશ્યો. બીજી જ ક્ષણે ઘરનું બારણું બંધ થઈ ગયું. અંજલિનો ભાઈ અને બીજા ત્રણ જણ તલવાર લઈને ઊભા હતા. અંજલિની હાજરીમાં જ યોગેન્દ્ર પર ઉપરાઉપરી ઘા કરી દીધા. અંજલિએ જોયું તો તેના જીજાજી પણ પતિની હત્યામાં સામેલ હતા. તે કરગરતી રહી. '' જીજાજી છોડી દો, છોડી દો એમને. ''પણ થોડી જ વારમાં યોગેન્દ્ર લોહી લુહાણ થઈ ફર્શ પર ફસડાઈ પડયો. બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો પણ ચોંકી ગયા. હવે અંજલિનો વારો હતો. ઘરનાં સભ્યો અંજલિને પણ મારી નાંખવા માંગતાં હતા. પણ અંજલિ ઘરનું બારણું ખોલી બહાર ભાગી. ગામ લોકોએ અંજલિને બચાવી લીધી. ગામના લોકો પણ ખૂની ખેલ જોઈ સ્તબ્ધ થઈ ગયા. અંજલિના માતા-પિતા, પુત્ર, બનેવીએ બધા ભાગવાની તૈયારી કરતા હતા પણ લોકોએ એમને પકડી લીધા. પોલીસે તમામની ધરપકડ કરી. અંજલિએ પતિ ગુમાવ્યો. માતા-પિતા, ભાઈને જીજાજી હવે જેલમાં ગયાં. અજંલિ અને તેની પુત્રી હવે એકલાં જ અને બેસહારા બની ગયાં.
 આ દેશમાં હજી પણ આવા 'ઓનર કિલિંગ' થાય છે.
- દેવેન્દ્ર પટેલ