
અંજલિએ એના પતિ યોગેન્દ્રને કહ્યું: ''મને મમ્મી-પપ્પા યાદ આવ્યા છે, મૂકવા આવશો ?''
અંજલિ અવારનવાર એ રસ્તા પર થઈ જતી હતી. એક દિવસ યોગેન્દ્રની નજર
બસ અડ્ડા પર ઊભેલી અંજલિ પર પડી. યોગેન્દ્ર પહેલી જ નજરમાં અંજલિ પર વારી
ગયો. અંજલિ બસમાં બેસીને જતી રહી, પણ યોગેન્દ્ર
અંજલિનું સ્મિત ભૂલી શક્યો નહીં. યોગેન્દ્ર ગામડાંઓના નાના રસ્તાઓ બનાવવાના
કોન્ટ્રાક્ટ રાખતો હતો. તે હવે રોજ બસ અડ્ડા પાસે આવીને ઊભો રહેવા લાગ્યો.
આજે ફરી અંજલિ એની એ જ બસમાં બેઠી. યોગેન્દ્ર પણ બસમાં બેસી ગયો. બસ
ઈટાવાથી મોહબ્બતપુર જઈ રહી હતી. એ દિવસ તો એ કોઈ વાત કરી શક્યો નહી. ધીમે
ધીમે એણે મોહબ્બતપુરા ગામના લોકો સાથે ઘરોબો કેળવી જાણી લીધું કે અંજલિ
મોહબ્બતપુરા ગામનાં વેદરામ જાટવની પુત્રી છે. મિત્રોએ એને સલાહ આપી કે 'અંજલિ જાટવ જ્ઞાતિની છોકરી છે તેથી દૂર રહેજે.'યોગેન્દ્ર લોધી રાજપૂત હતો. તેને ખબર હતી કે બેઉની જાતિ અલગ હોવાથી એમના સંબંધને સામાજિક માન્યતા મળશે નહીં, છતાં યોગેન્દ્ર અંજલિને પામવા મક્કમ હતો. યોગેન્દ્રએ મોહબ્બતપુરા ગામના રસ્તાનો જ કોન્ટ્રાક્ટ લઈ લીધો. રસ્તા પર જ કેમ્પ ઊભો કરી દીધો. એક દિવસ એણે અંજલિને એકલી આ તરફ આવતા જોઈ. યોગેન્દ્રએ હિંમતપૂર્વક કહ્યું: ''તમારું નામ... ?''
''અંજલિ.''
''તમે સરસ લાગો છો.''
''મને ખબર છે.''
''આટલી ગરમીમાં ક્યાં જાવ છો ?''
''તમને શું ?''કહેતા અંજલિ જતી રહી.પણ એ દિવસ બાદ અંજલિ પણ રોજ એ જ સમયે ત્યાંથી પસાર થવા લાગી. યોગેન્દ્ર તેને રોકતો, અલપ ઝલપ વાતો કરી લેતો. અંજલિ પણ સરસ તૈયાર થઈને આવતી. યોગેન્દ્રને પણ ખ્યાલ આવી ગયો કે શાયદ અંજલિને પણ તેને પસંદ કરે છે. એક દિવસ અંજલિ એ જ યોગેન્દ્રને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું. યોગેન્દ્ર અંજલિના ઘેર ગયો. અંજલિની માતાએ રસ્તો બનાવતો ઠેકેદાર પોતાના ઘેર આવ્યો હોઈ આનંદ વ્યક્ત કર્યો. ચા પણ પીવરાવી. એ પછી અંજલિ પણ યોગેન્દ્રના કેમ્પ પર અવારનવાર જવા લાગી. એક દિવસ યોગેન્દ્રએ કહ્યું: ''અંજલિ, તમે મને ગમો છો.''
અંજલિએ આંખો નીચે રાખતાં ધીમેથી બોલીઃ ''મને પણ તમે ગમો છો.''
બેઉ યુવાન હતાં. એક જ ઉંમરનાં હતાં. બેઉ અપરિણીત હતા. અંજલિ હજુ
કોલેજમાં ભણતી હતી. યોગેન્દ્રએ હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો હતો. અંજલિ
રોજ બસમાં બેસી કોલેજ જતી. બેઉ હવે બહાર મળવા લાગ્યાં. પિકચર જોવા પણ જતાં.
બગીચામાં બેસી કલાકો સુધી વાતો કરતાં. સાથે જ જીવવાના અને સાથે જ મરવાના
સોગંધ ખાધા.એક દિવસ યોગેન્દ્ર અંજલિના ઘેર અંદર બેઠેલો હતો. એકાએક અંજલિની બહારગામ રહેતી પરિણીત બહેન આરતી અચાનક આવી. ઘરમાં અંજલિ સાથે જે રીતે યોગેન્દ્ર બેઠો હતો તે રીત એને પસંદ ના આવી. યોગેન્દ્રના ગયા બાદ આરતીએ અંજલિને ઠપકો આપ્યોઃ ''આવા અજાણ્યા માણસને ઘરમાં બોલાવવો તે ઠીક નથી.''
અંજલિએ કહ્યું : ''દીદી, એ સારો છોકરો છે.''
આરતીએ ઊંડી નજરે અંજલિની ભાવભંગિમા નિહાળી. તેને સમજતાં વાર જ ના
લાગી કે કાંઈક ગરબડ છે. આરતીએ પૂછપરછ કરી જાણી લીધું કે યોગેન્દ્ર જાટવ
જ્ઞાતિનો નથી, બલકે લોધી રાજપૂત છે. એણે ઘરમાં વાત કરી દીધી, આરતીએ એના પિતાને કહ્યું: ''બાબુજી ! અંજલિ પર નજર રાખો, નહીંતર આપણે કોઈને મોં બતાવવા લાયક રહીશું નહીં.''અંજલિના માતાપિતાએ હવે અંજલિ પર કડક પ્રતિબંધ મૂકી દીધા. અંજલિનું ઘરમાંથી બહાર નીકળવાનું બંધ થઈ ગયું. કેટલાયે દિવસો સુધી અંજલિ દેખાઈ નહીં, યોગેન્દ્ર સમજી ગયો કે એના ઘરમાં બધાંને ખબર પડી ગઈ છે. એ દરમિયાન અંજલિને ખ્યાલ આવી ગયો કે તે ગર્ભવતી છે. હવે તે ગભરાઈ. એક દિવસ ઘરમાં કોઈ નહોતું એણે ફોન કરીને યોગેન્દ્રને કહ્યું: ''યોગેન્દ્ર ! હું તારા બાળકની મા બનવાની છું. જલદી મને લઈ જા. આપણે લગ્ન કરી લઈએ.''
બે દિવસ બાદ એણે ફરી ફોન કર્યો. યોગેન્દ્રએ કહ્યું : ''રાતના સમયે તું મારા કેમ્પ પર આવી જા. મેં લગ્નની તૈયારીઓ કરી લીધી છે.''
એક રાત્રે બધાં ઊંઘી ગયા હતા ત્યારે અંજલિ ચૂપચાપ ઊઠી. ધીમેથી બારણું ખોલી મધરાતે ઘરમાંથી બહાર નીકળી ગઈ અને સીધી યોગેન્દ્રના કેમ્પ પર પહોંચી. રાત્રે જ મોટરસાઈકલ પર બેઉ ભાગી ગયાં. બીજા દિવસે સવારે અંજલિને ઘરમાં ના જોતા તેના પિતા વેદરામ જાટવ ચોંકી ઊઠયા. માત્ર ઘરમાં જ નહીં, પણ આખા ગામમાં તોફાન મચી ગયું. ઠેકેદાર યોગેન્દ્ર પણ ગુમ હતો. બધાને વાત સમજાઈ ગઈ કે, યોગેન્દ્ર અંજલિને ભગાડી ગયો છે. મેદરામ જાટવે યોગેન્દ્રના માતા-પિતાના ગામનું સરનામું શોધી કાઢયું પણ યોગેન્દ્ર તેના વતનમાં પણ નહોતો. અંજલિ અને યોગેન્દ્રની ખૂબ તપાસ કરી પણ બેઉ તેઓને મળ્યાં નહીં. આ તરફ યોગેન્દ્રએ મૈનપુરાના શીતલા માતાના મંદિરમાં અંજલિ સાથે લગ્ન કરી લીધા હતા. એક વકીલ દ્વારા લગ્નનું રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું. એક લોધી રાજપૂત એક જાટવની દીકરીને ભગાડી ગયો હોઈ આખો જાટવ સમાજ ખફા હતો.
પરંતુ સમય વહેતો ગયો. કેટલાંયે મહિનાઓ સુધી અંજલિ અને યોગેન્દ્ર છુપાઈને દૂર દૂર રહેતાં હતાં. અંજલિના માતા-પિતાએ પણ હવે આશા મૂકી દીધી હતી. આ તરફ યોગેન્દ્રને ખબર પડી કે અંજલિના પિતાએ અંજલિ ગુમ થવા અંગે કોઈ પોલીસ ફરિયાદ હજુ લખાવી નથી એટલે એને રાહત થઈ. કેટલાક મહિનાઓ બાદ તે મૈનપુરીમાં એક રૂમ ભાડે લઈ અંજલિ સાથે રહેવા લાગ્યો. અંજલિએ હવે એક દીકરીનો જન્મ પણ આપ્યો હતો. યોગેન્દ્ર હવે તેના માતા-પિતાના ઘરે પણ જવા લાગ્યો.
કેટલાંક સમય બાદ વેદરામ જાટવનો મોટો પુત્ર યોગેન્દ્રના માતા-પિતાના ઘેર ગયો. રામ રામ કર્યા. બહુ જ નમ્રતાથી કહ્યું: ''જુઓ બહુ દિવસથી મેં મારી બહેન અંજલિને જોઈ નથી. મારા માતા-પિતા પણ બધું ભૂલી ગયાં છે. દીકરી એ આખરે દીકરી છે. અંજલિને કહો કે એક દિવસ પિયર આવી જાય. કોઈ એને લડશે નહીં.''
અંજલિનો ભાઈ રીતસર કરગરી રહ્યો. યોગેન્દ્રના માતા-પિતાએ કહ્યું: ''એક દિવસ અંજલિને પિયર જરૂર મોકલીશું.''
થોડા દિવસ પછી યોગેન્દ્રને સમજાવી અંજલિને તેના પિયર મોકલી. ઘરનાં સભ્યો અંજલિને એક દીકરી સાથે આવેલી જોઈ બહુ જ રાજી થઈ ગયાં. અંજલિના માથા પર હાથ ફેરવ્યો બધાં બહુ જ રડયાં. અંજલિએ ભાગી જઈને લગ્ન કરવા બદલ માફી માંગી. વેદરામ જાટવે કહ્યું: ''બેટા, તને એ છોકરો એટલો બધો ગમતો હતો તો તે તારો નિર્ણય મને કહ્યો કેમ નહીં ?''અંજલિ બોલીઃ ''પિતાજી, મારી હિંમત ચાલી નહીં.''
બે દિવસ અંજલિ પિયરમાં રહી તેને માબાપે સ્વીકારી લીધી હોઈ તે બહુ જ ખુશ થઈ ગઈ. અંજલિ હવે તેના પતિના ઘરે જવા નીકળી. એના પિતાએ કહ્યું: ''બેટા, યોગેન્દ્રને કહેજે કે અમે તેને પણ માફ કરી દીધો છે. તે ખુશીથી અહીં આવી શકે છે. તું ફરી આવે ત્યારે જમાઈને લેતી આવજે.''
અંજલિ રાજી રાજી થઈ ગઈ. મૈનપુરી પહોંચી એણે એના પતિ યોગેન્દ્રને વાત કરી યોગેન્દ્રને પણ ખૂબ રાહત થઈ. કેટલાક દિવસ બાદ અંજલિને ફરી એનું પિયર યાદ આવ્યું. એણે યોગેન્દ્રને કહ્યું : '' મને મારાં મમ્મી પપ્પા યાદ આવ્યા છે. તમે મને મૂકવા આવશો ? એ બહાને બધો રાજીપો થઈ જાય.''
યોગેન્દ્રએ હા પાડી, બીજા દિવસે યોગેન્દ્ર મોટરસાઈકલ પર અંજલિ અને તેના નાના બાળકને લઈ મોહબ્બતપુરા જવા નીકળ્યો. અંજલિએ અગાઉથી ફોન કરી જાણ કરી રાખી હતી. યોગેન્દ્રએ ઘરની બહાર મોટરસાઈકલ પાર્ક કરી. તે અંજલિ સાથે સસરાના ઘરમાં પ્રવેશ્યો. બીજી જ ક્ષણે ઘરનું બારણું બંધ થઈ ગયું. અંજલિનો ભાઈ અને બીજા ત્રણ જણ તલવાર લઈને ઊભા હતા. અંજલિની હાજરીમાં જ યોગેન્દ્ર પર ઉપરાઉપરી ઘા કરી દીધા. અંજલિએ જોયું તો તેના જીજાજી પણ પતિની હત્યામાં સામેલ હતા. તે કરગરતી રહી. '' જીજાજી છોડી દો, છોડી દો એમને. ''પણ થોડી જ વારમાં યોગેન્દ્ર લોહી લુહાણ થઈ ફર્શ પર ફસડાઈ પડયો. બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો પણ ચોંકી ગયા. હવે અંજલિનો વારો હતો. ઘરનાં સભ્યો અંજલિને પણ મારી નાંખવા માંગતાં હતા. પણ અંજલિ ઘરનું બારણું ખોલી બહાર ભાગી. ગામ લોકોએ અંજલિને બચાવી લીધી. ગામના લોકો પણ ખૂની ખેલ જોઈ સ્તબ્ધ થઈ ગયા. અંજલિના માતા-પિતા, પુત્ર, બનેવીએ બધા ભાગવાની તૈયારી કરતા હતા પણ લોકોએ એમને પકડી લીધા. પોલીસે તમામની ધરપકડ કરી. અંજલિએ પતિ ગુમાવ્યો. માતા-પિતા, ભાઈને જીજાજી હવે જેલમાં ગયાં. અજંલિ અને તેની પુત્રી હવે એકલાં જ અને બેસહારા બની ગયાં.
આ દેશમાં હજી પણ આવા 'ઓનર કિલિંગ' થાય છે.
- દેવેન્દ્ર પટેલ
No comments:
Post a Comment