Sunday, September 30, 2012

'બરસાત મેં તુમસે મિલે હમ' કેવી રીતે સર્જાયું ? (કભી કભી)



રાજ કપૂરની સફળતા માટે જે ત્રણ વ્યક્તિઓનું મોટું પ્રદાન હતું તેમાં પાર્શ્વગાયક મુકેશ, સંગીતકાર શંકર- જયકિશન અને ગીતકાર શૈલેન્દ્ર હતા. શૈલેન્દ્રની ૮૯મી જન્મજયંતી આ મહિનામાં આવે છે પરંતુ બોલિવૂડના ગૌરવવંતા ઈતિહાસમાં શૈલેન્દ્રને જે સ્થાન મળવું જોઈએ તે મળ્યું નથી. 'તિસરી કસમ' જેવી ઉત્કૃષ્ઠ ફિલ્મ આપનાર શૈલેન્દ્રનું જીવન એ ફિલ્મના કારણે જ તબાહ થઈ ગયું ત્યારે શૈલેન્દ્ર વિશે પ્રવર્તતી કેટલીક કિંવદંતીઓ અને હકીકતો જાણવા જેવી છે.
દરેક પ્રેક્ષકના દિલની લાગણીઓને સ્પર્શતા સંવેદનશીલ ગીતો લખનાર શૈલેન્દ્ર એક જમાનામાં મથુરામાં વેલ્ડર હતા. શૈલેન્દ્રનો જન્મ તા. ૩૦મી ઓગસ્ટ, ૧૯૨૩ના રોજ બિહારમાં થયો હતો. તેમનું અસલીનામ શંકરદાસ કેસરીલાલ હતું. મુંબઈ આવતા પહેલાં તેઓ રોજી રળવા રાવલપિંડી અને તે પછી મથુરા ગયા હતા. બિહાર, હાલ પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડી અને મથુરાની સ્થાનિક ભાષાઓનો તેમની પર જબરદસ્ત પ્રભાવ હોઈ ગીતકાર બન્યા પછી તેઓ તેમનાં ગીતોમાં વૈવિધ્ય લાવી શક્યા હતા. એ અગાઉ રાવલપિંડીમાં તેઓ મંદિરમાં જઈ ભજનો પણ ગાતા હતા. રાવલપિંડીમાં તેમના પિતાએ ધંધામાં પૈસા ગુમાવતાં આખું યે પરિવાર મથુરા આવી ગયું હતું. ગરીબીના કારણે શૈલેન્દ્રએ પહેલાં પિતા અને તે પછી તેમનાં બહેન પણ ગુમાવ્યાં હતાં. તેમની પાસે દવા કરાવવાના પૈસા નહોતા. ગરીબી આધારિત બીમારી અને પરિવારજનોનાં મૃત્યુ બાદ શૈલેન્દ્રએ ઈશ્વરમાં શ્રદ્ધા ગુમાવી દીધી હતી. તેમણે મથુરામાં વેલ્ડર તરીકે કામ શરૂ કર્યું હતું.
એ પછી તેઓ પેટિયું રળવા મુંબઈ આવ્યા હતા. અહીં પણ તેમણે માટુંગા રેલવે વર્કશોપમાં વેલ્ડર તરીકે કામ શરૂ કર્યું હતું. તેમને કવિતાઓ લખવાનો શોખ હતો. એક દિવસ પ્રગતિશીલ લેખકો દ્વારા આયોજિત એક કવિ સંમેલનમાં ગયા. તેમણે પોતાની કવિતા રજૂ કરી. કવિ સંમેલનમાં અંતે બે યુવતીઓ તેમના ઓટોગ્રાફ લેવા આવી ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું. તેમના માટે બીજું આશ્ચર્ય હજુ બાકી હતું. ભુલી- નીલી આંખોવાળો એક તાજગીભર્યો યુવાન તેમની પાસે આવ્યો એ યુવાને શૈલેન્દ્ર સાથે હાથ મિલાવતાં પોતાની ઓળખ આપી : ''હું પૃથ્વી રાજ કપૂરનો પુત્ર છું. હું એક ફિલ્મ બનાવી રહ્યો છું, જેનું નામ 'આગ' છે. તમે મારી ફિલ્મ માટે ગીતો લખશો ?''
એ યુવાન રાજ કપૂર હતા. એ જમાનામાં લોકો પૃથ્વીરાજ કપુરને ઓળખતા હતા. રાજ કપૂરને નહીં. યુવાન કવિ શૈલેન્દ્રએ કહ્યું : ''હું મારી કવિતાઓ વેચતો નથી.''- એમ કહી શૈલેન્દ્રએ ચાલતી પકડી. પરંતુ એ ઘટનાના કેટલાક સમય બાદ શૈલેન્દ્રના પત્ની ગંભીર રીતે બીમાર પડયાં. શૈલેન્દ્રને પૃથ્વીરાજ કપૂરના પુત્ર રાજ કપૂરની યાદ આવી. તેઓ સીધા રાજ કપૂર પાસે મહાલક્ષ્મીની ઓફિસે પહોંચી ગયા. શૈલેન્દ્રએ રાજ કપૂરને કહ્યું : ''મારે ૫૦૦ રૂપિયાની જરૂર છે. ઉછીના આપશો ? થોડા વખતમાં હું પાછા આપી દઈશ.''
રાજ કપૂરે એક પણ ક્ષણ બગાડયા વિના શૈલેન્દ્રને ૫૦૦ રૂપિયા આપ્યા. કેટલાક સમય બાદ શૈલેન્દ્ર એ રકમ પાછી આપવા ગયા ત્યારે રાજ કપૂરે કહ્યું : ''હું પૈસા પાછા નહીં લઉં, મારી ફરી તમને વિનંતી છે કે તમે મારી ફિલ્મ માટે ગીતો લખો.''
શૈલેન્દ્ર સંમત થયા અને તેમણે ફિલ્મમાં પહેલું ટાઈટલ ગીત લખ્યું : ''બરસાત મેં તુમસે મીલે હમ'' જે આજે પણ સદાબહાર છે. એ પછી તો રાજ કપૂર અને શૈલેન્દ્ર મિત્રો બની ગયા. શરૂઆતમાં રાજ કપૂરની ફિલ્મોની કથા કે.એ. અબ્બાસ લખતા હતા. કે.એ. અબ્બાસ સ્ક્રીપ્ટની ચર્ચા કરતા હતા. ત્યારે શૈલેન્દ્ર પણ હાજર હતા. પરંતુ એ વખતે કે.એ. અબ્બાસ શૈલેન્દ્રની ઉપેક્ષા કરતા હતા. રાજ કપૂર શૈલેન્દ્રને 'કવિરાજ' કરીને બોલાવતા હતા. અઢી કલાકની ચર્ચા બાદ રાજ કપૂરે કહ્યું : ''કુછ સમજમેં આયા કવિરાજ ?''
શૈલેન્દ્રએ ત્વરીત જવાબ આપ્યો : ''ગર્દીશ મેં થા, પર આસમાન કા તારા થા, આવારા થા.'' શૈલેન્દ્રનો એ કાવ્યમય જવાબ સાંભળી સ્ક્રીપ્ટ લેખક કે.એ. અબ્બાસ આશ્ચર્યચક્તિ થઈ ગયા. તેમની રૂમમાં બેઠેલા એ અજાણ્યા યુવક તરફ હવે તેમનું ધ્યાન ગયું. અબ્બાસની અઢી કલાકની વાર્તાને શૈલેન્દ્રએ એક જ લાઈનમાં વર્ણવી દીધી હતી. અને તે પછી તેમની,મુકેશની, શંકર-જયકિશન અને રાજ કપૂરની એક ટીમ બની ગઈ. જે વર્ષો સુધી અણનમ રહી.
કેટલાંક વર્ષો બાદ એક દિવસ દેવઆનંદ અને તેમના ભાઈ વિજય આનંદે શૈલેન્દ્રના ઘરનું બારણું ખખડાવ્યું. આમ તો તેઓ તેમની આગામી ફિલ્મ માટે હસરત જયપુરી પાસે ગયા હતા, પરંતુ હસરતે ગીતો લખવાની ના પાડતા. બીજી ચોઈસ તરીકે તેઓ શૈલેન્દ્રના ઘેર આવ્યા હતા. શૈલેન્દ્રને જ્યારે ખબર પડી કે તેઓ સેકન્ડ ચોઈસ છે ત્યારે તેમને ખરાબ લાગ્યું અને તેથી તેમણે આનંદબંધુઓની ફિલ્મ માટે ગીતો લખવાની તો હા પાડી પણ તેમની ફી તરીકે એ જમાનામાં કોઈએ ના માંગી હોય એટલી ઊંચી રકમ માંગી. દેવઆનંદ અને વિજય આનંદ પાસે હવે બીજો કોઈ વિકલ્પ જ નહોતો અને તેમણે શૈલેન્દ્રએ માંગેલી રકમ આપવા હા પાડી, આનંદ બધુંઓએ ફિલ્મની વાર્તા સંભળાવી. એ ફિલ્મ 'ગાઈડ' હતી. વાર્તા સાંભળ્યા બાદ એ સાંજે જ શૈલેન્દ્રએ 'ગાતા રહે મેરા દિલ''નું મુખડું લખી આનંદ બધુંઓને મોકલી આપ્યું: ''ગાતા રહે મેરા દિલ'' આજે પણ લોકોની જીભ પર છે. ''આજ ફિર જીને કી તમન્ના હૈ''- ગીત પણ શૈલેન્દ્રનું જ છે.
 એ જ રીતે દેવઆનંદ અને વિજય આનંદ ફિલ્મ ''ગાઈડ''ના શૂટિંગ માટે ઉદેપુર જવા નીકળી ગયા હતા. ત્યારે એ ફિલ્મ માટે શૈલેન્દ્રએ 'આજ ફિર જીને કી તમન્ના હૈ'' ગીત લખ્યું હતું. એસ.ડી. બર્મને એ ગીતને સ્વરબદ્ધ કર્યું હતું. ગીત સંગીતબદ્ધ થયા બાદ લોકેશન પણ મોકલવામાં આવ્યું ત્યારે દેવઆનંદને એ ગીત ગમ્યું નહોતું. બલ્કે પાછળથી તેમણે વિચાર બદલીને એ ગીત ઓ.કે. કર્યું અને તેનું શૂટિંગ પણ કર્યું : એ જ વખતે 'ગાઈડ'ના યુનિટમાં તે ગીત હિટ થઈ ગયું અને પાછળથી આખા દેશમાં.
એક બીજી મજેદાર વાત પણ જાણવા જેવી છે. 'પાન ખાયે સૈયા હમારો' એ ગીત પહેલી જ વાર ઓલ ઈન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થયું ત્યારે લોકોનો વિરોધ થતાં આકાશવાણીએ એ ગીતને અશ્લીલ ગણી તેના લિસ્ટમાં રદ કરવું પડયું હતું. પાછળથી એ જ ગીત શૈલેન્દ્રની 'તિસરી કસમ' ફિલ્મમાં લોકપ્રિય ગીત બન્યું : શૈલેન્દ્ર એક સર્જનાત્મક કવિ હતા અને સંવેદનશીલ પણ. ફિલ્મોની ચમકદમકની પાછળ તેની એક કાળી બાજુ પણ છે, જેની પ્રેક્ષકોને જાણ હોતી નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ અંધારી બાજુના ભોગ શૈલેન્દ્ર પણ બન્યા હતા. શૈલેન્દ્ર આમ તો ગીતકાર હતા પણ કોઈ એક તબક્કે તેમણે ''તિસરી કસમ'' ફિલ્મ બનાવવા નિર્ણય કર્યો. આ એક પ્રકારની ન્યૂવેવ ફિલ્મ હતી. શ્યામ બેનેગલની 'અંકુર' પહેલાંની આ નવી તરાહની ફિલ્મ હતી. ''સજન રે જુઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ...'' જેવાં અત્યંત સુંદર ગીતોવાળી 'તિસરી કસમ'ફિલ્મ ઉત્કૃષ્ઠ હોવા છતાં બોક્સ ઓફિસ પર ના ચાલી. આ ફિલ્મની નિષ્ફળતાએ શૈલેન્દ્રને આર્થિક રીતે અને માનસિક રીતે બરબાદ કરી નાંખ્યા. આ ફિલ્મને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક મળ્યો પણ શૈલેન્દ્ર પાસે હવે ફૂટી કોડી નહોતી.
શૈલેન્દ્રના મૃત્યુનું કારણ પણ આ ફિલ્મના કારણે આવી પડેલી આર્થિક જવાબદારીઓે જ હતી. શૈલેન્દ્ર હૃદયરોગના હુમલાથી નહીં પરંતુ હૃદયભગ્ન થતાં મૃત્યુ પામ્યા હતા.
શૈલેન્દ્રના સહુથી નાના પુત્ર દિનેશ શૈલેન્દ્ર કહે છે : ફિલ્મ 'તિસરી કસમ' માટે ઘણી વાતો ચાલે છે. દા.ત. એક માન્યતા એવી છે કે આ ફિલ્મમાં કામ કરવા માટે રાજ કપૂરે પૈસા લીધા નહોતા. પરંતુ એ વાત સાચી નથી. મુંબઈના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ મફત કામ કરતું નથી. મારા પિતા માટે પણ કોઈએ વિના મૂલ્યે કામ કર્યું નહોતું. રાજસાહેબે પણ મારા પિતા પાસેથી પૈસા લીધા હતા. એ જ રીતે સંગીતકાર શંકરજીએ પણ પૈસા લીધા હતા. વળી આ ફિલ્મ બનતાં પાંચ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો કારણ કે રાજ સાહેબ તારીખો આપતા નહોતા.''
રાજ કપૂર શાયદ 'તિસરી કસમ' પહેલાં તેમની ફિલ્મ 'સંગમ' રજૂ થાય તેવું ઈચ્છતા હતા. દિનેશ શૈલેન્દ્ર કહે છેઃ ''મારા પિતાએ આપઘાત કર્યો નહોતો, પણ તેઓ મિત્રોના વ્યવહારથી આઘાતનો ભોગ બન્યા હતા. મારા પિતા પાસે પૈસાની કમી નહોતી. ફિલ્મ ''ગાઈડ''નાં ગીતો લખવા માટે એ જમાનામાં તેમને રૂ. એક લાખ મળ્યા હતા. મારા પિતા હાર્ટબ્રેકના કારણે મૃત્યુ પામ્યા હતા.''
''રુલા કે ગયા સપના મેરા'', ''અદાલત ઉઠ ચુકી હૈ, અબ કૌન કરેગા સુનવાઈ...'' અને ''તુમ્હારી ભી જય હમારી ભી જય'' જેવાં અસંખ્ય સુંદર ગીતોની રચના કરનાર શૈલેન્દ્ર ચમકદમકથી ભરેલી ફિલ્મોની દુનિયાની કાળી અને કડવી વાસ્તવિક્તાની ભોગ બનેલી વ્યક્તિ હતી.
- દેવેન્દ્ર પટેલ

No comments:

Post a Comment