
હમ તુમ્હે મારેંગે, જરૂર મારેંગે, પર
એક્ટર રાજકુમારની વિદાયને ૧૫ વર્ષ થયાં પણ આ સંવાદો અવિસ્મરણીય છે
એક્ટર રાજકુમારના મૃત્યુને પૂરાં ૧૫ વર્ષ થઈ ગયાં, પરંતુ હજુ દેશના કરોડો ચાહકોના દિલોદિમાગ પરથી તેઓ હજુ ભુલાયા નથી. ગયા જુલાઈ માસમાં તેમની પુણ્યતિથિ હતી. તેઓ તા.૩ જુલાઈ, ૧૯૯૬ના રોજ આ ફાની દુનિયાને છોડીને ચાલ્યા ગયા તે પછી આટલાં વર્ષો બાદ પણ અદાઓના શહેનશાહ તરીકે બિરુદ પામેલા એક્ટર રાજકુમારની સંવાદ શૈલી હજુ યે લોકોના કાનમાં ગુંજે છે. આમ તો તેમના અનેક સંવાદ જાણીતા છે. તેમાં ફિલ્મ 'સૌદાગર'નો એક સંવાદ છે : ''જાની.... હમ તુમ્હે મારેં ગે, ઔર જરૂર મારેંગે, પર બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી, ઔર વક્ત ભી હમારા હૌગા.''
'જાની' શબ્દ એ રાજકુમારનો પર્યાયવાચી શબ્દ બની ગયો હતો. તેઓ ડાયલોગ ડિલીવરીના રાજા કહેવાતા હતા. પૂરા ચાર દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં પોતાની આગવી સ્ટાઈલથી રૂઆબ છાંટનાર રાજકુમારને બોલિવૂડ એક 'અનકન્વેશનલ હીરો' તરીકે ઓળખતું હતું. તલવારકટ મુછો ગંભીર ચહેરો અને પથ્થર જેવી સખત આંખો હોવા છતાં એક્ટિંગને તેઓ બખૂબીથી જાણતા હતા. તેમના અવાજમાં એક પ્રકારની આગવી ''વોઈસ ક્વોલિટી'' હતી. તેમની ફિલ્મ ''તિરંગા''નો એક સંવાદ અને તેમાં રહેલો પંચ આજેય તેમના ચાહકોને યાદ છે : ''ના તલવાર કી ધાર સે, ના ગોલિયોં કી બ્યોં છાર સે... બંદા ડરતા હૈ તો સિર્ફ પરવરદીગાર સે.''
આમ જોવા જઈએ તો તેઓ દેવઆનંદ, રાજેન્દ્રકુમાર, જિતેન્દ્ર કે રાજ કપૂર જેવા ટ્રેડિશનલ હીરો નહોતા. તેમની સ્ટાઈલ સ્ટિરિયોટાઈપ હોવાથી તેમણે પ્રિન્સ, શાયર, જમીનદાર, આર્મી ઓફિસર, પોલીસવડા, ગેંગસ્ટરથી માંડીને રોમેન્ટિક હીરોના રોલ કર્યા હતા. ફિલ્મ 'વક્ત'માં તેમણે એક સોફિસ્ટીકેટેડ ચોરનો રોલ કર્યો હતો. આવી વ્યક્તિઓ માટે આજકાલ બોલિવૂડમાં ''એક્સ'' ... શબ્દ પ્રયોજવામાં આવે છે. તેનો મતલબ છે ''સમથિંગ સ્પેશિયલ''.
કમનસીબ બોલિવૂડના ઈતિહાસકારોએ એક્ટર રાજકુમાર વિશે બહુ ઓછું લખ્યું છે. તેઓ મૂળ કાશ્મીરી પંડિત હતા. તેમનો જન્મ તા.૮ઓક્ટોબર, ૧૯૨૬ના રોજ થયો હતો. તેમનું મૂળનામ કુલભૂષણ પંડિત હતું. તેઓ અખંડ ભારતના બલુચિસ્તાનમાં જન્મ્યા હતા. તેઓ ભણીને મુંબઈ આવ્યા હતા. કારકિર્દીની શરૂઆત તેમણે ૧૯૪૦માં મુંબઈમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની નોકરીથી કરી હતી. ૧૯૬૦માં તેમણે ગાયત્રી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેઓ ત્રણ સંતાનોના પિતા બન્યા હતા.
ઈ.સ.૧૯૫૨માં તેમણે ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરી હતી. સ્ક્રીન માટે તેમણે તેમનું નામ બદલીને રાજકુમાર રાખ્યું હતું. એ જમાનામાં એક્ટર્સ તેમના નામની પાછળ કુમાર લગાવતા. દા.ત. યુસુફખાને પોતાનું નામ દિલીપકુમાર રાખ્યું હતું. તેમની ફિલ્મ 'રંગીલી' બોક્સ ઓફિસ પર હિટ જતાં તેમને બીજી ફિલ્મો મળવા લાગી હતી. અલબત્ત, મહેબૂબખાને તેમને ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં રોલ આપ્યો તે પહેલાં તેઓ બહુ જાણીતા નહોતા. 'મધર ઈન્ડિયા' એક યાદગાર અને કલાસિક ફિલ્મ હતી. તેમાં તેમણે નરગિસના પતિનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં જ નરગિસ અને સુનીલ દત્ત એક બીજાના પ્રેમમાં પડી પરણી ગયાં હતાં. ૧૯૫૭માં બનેલી આ ફિલ્મને ઓસ્કારમાં નોમિનેશન મળ્યું હતું. ફિલ્મને ઓસ્કાર તો ના મળ્યો પણ તેમાં કામ કરનાર તમામ કલાકારોને દેશભરમાં જબરદસ્ત ખ્યાતિ મળી હતી. તેમાં રાજકુમાર પણ એક હતા. તેમણે એક ગરીબ ખેડૂતનો રોલ કર્યો હતો. ખેતરમાંથી વજનદાર પથ્થર હટાવવા જતાં તેમના બંને હાથ કપાઈ જાય છે તેવા અપંગનો રોલ તેમણે કર્યો હતો. આવો રોલ શાહરુખખાન, સલમાન ખાન કે ઋત્વિક રોશન કે રણબીર કપૂર ભાગ્યે જ કરે.
ફિલ્મ 'મધર ઈન્ડિયા'ની સફળતા બાદ રાજકુમારને ઘણી મોટી હિટ ફિલ્મો મળી હતી જેમાં (૧) શરારત (૨) દિલ અપના ઔર પ્રીત પરાઈ (૩) ઘરાના (૪) દિલ એક મંદિર (૫) વક્ત (૬) હમરાઝ (૭) નીલકમલ (૮) પાકિઝા (૯) લાલ પથ્થર (૧૦) હીર રાંઝા અને (૧૧) હિન્દુસ્તાન કી કસમ વગેરેનો સમાવેશ થાય છે. એ જમાનાના જબરદસ્ત લોકપ્રિય એક્ટર્સ સુનીલ દત્ત, શશી કપૂર, રાજેન્દ્રકુમાર, અને બલરાજ સહાની જેવા કલાકારોની સામે કામ કરવાની તક મળી હતી અને તે બધાની સામે મેદાન મારી ગયા હતા. ફિલ્મ ''વક્ત''નો ડાયલોગ લોકો હજુ યે ભૂલ્યા નથી : ''ચિનોય શેઠ, છુરી બચ્ચોં કે ખેલને કી ચીઝ નહીં હોતી. લગ જાતી હૈં તો ખૂન નીકલ આતા હૈ.''
આવો જ બીજો ફિલ્મ વક્તનો બીજો ડાયલોગ લોકોના હોઠ પર છે : ''ચિનોય શેઠ, જીન કે ઘર શીશે કે હોતે હૈ, વહ દૂસરો કે ઘર પર પથ્થર ફેંકા નહીં કરતે.''
અને એ વખતે સિનેમા થિયેટર્સ પ્રેક્ષકોની તાળીઓથી ગુંજી ઊઠતાં હતા. અલબત્ત, તેઓ ડાયલોગ ડિલીવરીના જ શહેનશાહ હતા એટલું કહેવું પૂરતું નથી. તેઓ તેથીયે વધુ એક પરફેક્ટ અને વર્સેટાઈલ એક્ટર હતા. તેઓ જ્યારે સંવાદ બોલતા ત્યારે તેમના ગુસ્સાને નિયંત્રણમાં રાખવાની તાકાત અને તેમનો સત્તાવાહી અહંકાર તેમના ચહેરા પર છલકાતો. એ જ રીતે 'નીલકમલ' જેવી ફિલ્મમાં તેમણે રોમેન્ટિક હીરોની ભૂમિકા પણ ઊંડાણપૂર્વક નિભાવી હતી. 'દિલ અપના ઔર પ્રીત પરાઈ' ફિલ્મમાં તેઓ મીનાકુમારીને પરણી શક્તા નથી ત્યારે તેમની આંખો દ્વારા તેમની લાગણીઓની જબરદસ્ત અભિવ્યક્તિ કરી હતી. આ ફિલ્મના ગીત : ''અજીબ દાસ્તાં હૈં યે''ના પિક્ચરાઈઝેશનમાં રાજકુમારે પ્રણયભગ્ન હીરોની ભાવવાહી લાગણીઓ પ્રેક્ષકો પર છોડી દીધી હતી.
એથીયે આગળ ફિલ્મ 'પાકિઝા'માં રાજકુમાર જ્યારે ટ્રેનમાં મુસાફરી કરે છે અને મીનાકુમારીના ગોરા પગ જોયા પછી તેઓ બોલે છે : ''આપ કે પાંવ દેખે, બહુત હસીન હૈં. ઈન્હે ઝમીન પર મત ઉતારીયેગા, મૈંલે હો જાયેગે.'' એ સંવાદ ભૂલી શકાય તેમ નથી.
એ દિવસોમાં એવોર્ડ્સ મેળવવાનું કામ મુશ્કેલ હતું. 'ફિલ્મ ફેર' મેગેઝિનનો એવોર્ડ એ જમાનામાં ગૌરવપૂર્ણ એવોર્ડ ગણાતો. ૧૯૬૦માં રાજકુમારને ફિલ્મ ''દિલ એક મંદિર'' અને ''વક્ત'' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ એનાયત થયો હતો. ઉંમરની સાથે તેમણે સહાયક અભિનેતાના રોલ પણ કર્યા હતા.
સ્વભાવની દૃષ્ટિએ રાજકુમાર કિશોરકુમાર જેવા મૂડી હતા. તેઓ પોતાની શરતો પર જીવનાર અને કામ કરનાર માનવી હતા. તેઓ કોઈ પાર્ટીમાં જાય તો અત્યંત તેજસ્વી- શ્વેત અને એમ્બ્રોયડરી કરેલાં વસ્ત્રોમાં જ જતાં. તેમણે પ્રકાશ મહેરાની ફિલ્મ ''ઝંઝીર''માં કામ કરવાની ઓફર ફગાવી દીધી હતી. કારણ આપતાં તેમણે કહ્યું હતું કે, ''મને પ્રકાશ મહેરાનો ચહેરો ગમતો નથી.'' એ પછી એ ફિલ્મમાં એંગ્રીયંગમેનનો રોલ અમિતાભ બચ્ચનને મળ્યો હતો.
એક વાર એક નિર્માતા કોઈ એક ફિલ્મ માટે તેમને કરારબદ્ધ કરવા આવ્યા. રાજકુમારે પૂછયું : ''ક્તિને પૈસે દોંગે ? નિર્માતાએ કોઈ એક રકમ કહી. રાજકુમારે કહ્યું : ''ઉતને પૈસે મેં તો વહ ગુરખે કો લે જાવ !'' રાજકુમારનો ઈશારો ડેની ડેન્ઝોગ્પા તરફ હતો. રાજકુમાર મોહંમદ રફીનાં કેટલાંક યાદગાર ગીતોનો સ્ક્રીન પરનો ચહેરો હતા. દા.ત. ''છુ લેને દો નાજુક હોઠોં કો, કુછ ઔર નહીં જામ હૈં યે'' અને ''યે ઝુલ્ફે અગર બિખર જાયે તો અચ્છા હો'' તથા ''યે દુનિયા, યે મહેફિલ'' જેવાં ગીતો અવિસ્મરણીય છે.
આવા એક્ટર રાજકુમાર હિન્દી ફિલ્મોના ચાહકો પર એક અમીટ છોડી ગયા છે. તેમના જીવનની કમનસીબી એ હતી કે તેમનો જે સ્વર, પ્રેક્ષકો પર જાદુ કરતો હતો તે પાછલા દિવસોમાં કેન્સરના કારણે રુંધાઈ ગયો હતો. હિન્દી ફિલ્મજગતમાં તેમનો પ્રવેશ અને વિદાય એટલાં જ શાંતિપૂર્ણ હતાં.
- દેવેન્દ્ર પટેલ
No comments:
Post a Comment