
એમેરિકાના શાર્લોટ શહેરની ''ફાઈવ ચર્ચ'' નામની એક રેસ્ટોરામાં બેઠેલા ક્રિશ્નન નૈયરના આઈફોન પર એક ઈ-મેઈલ મળ્યો. ઈ-મેઈલ ''ક્રિશ્નન''ના નામે મોકલાયેલો હતો. ઈ-મેઈલમાં લખવામાં આવ્યું હતું : ''ક્રિશ્નન ! આજે રાત્રે હું શાર્લોટના સ્ટેજ પર મારા હસબન્ડ અને અમેરિકાના પ્રેસિડેન્ટ માટે બોલવાની છું. આજથી ૨૩ વર્ષ પહેલાં હું તેમના અભિગમ, ધ્યેય અને અમેરિકન લોકોની સુખાકારી માટેની ઈચ્છા શક્તિ જોઈ બરાક ઓબામાના પ્રેમમાં પડી હતી. આજે પણ તેમનો પ્રત્યેક દિવસ એ કામને આગળ ધપાવવામાં જાય છે. જો તમને લાગતું હોય કે અમેરિકાના બીજી ટર્મના પ્રેસિડેન્ટ માટે બરાક ઓબામા યોગ્ય વ્યક્તિ હોય તો અમને ૧૦ ડોલર કે તેથી વધુ ફાળો આપી મદદ કરજો''.... મિશેલ ઓબામા. આ પ્રકારના મેસેજ મિસેલ ઓબામા તરફથી અનેક લોકો પર મોકલવામાં આવ્યો હતો.
અને એ રાત્રે શાર્લોટ નામના શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં મિશેલ છવાઈ ગયા. બીજા રાજકારણીઓ ઝાંખા પડી ગયા. અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીને હવે આઠ અઠવાડિયાં બાકી છે ત્યારે આખી દુનિયાની નજર અમેરિકામાં ચાલી રહેલી ચૂંટણી ઝુંબેશ પર છે. નોર્થ કેરોલિનામાં શાર્લોટ ખાતે ડેમોક્રેટિક પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું ત્યારે ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ તેમના પતિ બરાક ઓબામાના પ્રતિસ્પર્ધી મીટ રોમ્નીનું એક પણ વાર નામ લીધા વગર પ્રમુખનાં પત્ની તરીકે અંગત જીવનની અંતરંગ વાતો કહી અમેરિકાના મધ્યમવર્ગના લોકોની લાગણીઓને સ્પર્શવા પ્રયત્ન કર્યો.
ડેમોક્રેટિક પાર્ટીના ડેલિગેટ્સના રાષ્ટ્રીય સંમેલનને સંબોધતાં મિશેલ ઓબામાએ કહ્યું: ''મારા પતિ ચાર વર્ષ સુધી અમેરિકાના પ્રેસિડેન્ટ રહ્યા, પરંતુ પ્રમુખ બનવાના કારણે બરાક ઓબામાના વ્યક્તિત્વમાં કોઈ ફરક પડયો નથી. ૨૩ વર્ષ પહેલાં હું મારા હસબન્ડને ચાહતી હતી તે કરતાં આજે હું વધુ ચાહું છું. ઘણા લોકો મને પૂછે છે કે ''મારા હસબન્ડ પ્રેસિડેન્ટ બન્યા અને વ્હાઈટહાઉસમાં રહેવા ગયા તેથી તેમનામાં કોઈ પરિવર્તન આવ્યું છે ખરું ?'' હું પ્રામાણિક્તાપૂર્વક કહું છું કે, ચારિત્ર્ય, તેમની ધ્યેય નિષ્ઠા અને હૃદયથી તેઓ પહેલાં જેવા હતા તેવા જ છે.''
મિશેલ ઓબામાએ કહ્યું: ''મારા પતિએ વર્ષો પહેલાં ઊંચાં વેતનોવાળી નોકરીઓ ઠુકરાવીને અમારા વિસ્તારમાં એક સ્ટીલ પ્લાન્ટ બંધ પડી જવાના કારણે સંઘર્ષ કરી રહેલા લોકો વચ્ચે રહીને કામ કરવાનું પસંદ કર્યું હતું. ભાંગી પડેલાં લોકોના સમાજને બેઠો કરી તેમને કામ મળે તે માટે પ્રયાસો કર્યા હતા. મારા હસબન્ડ માને છે કે, તમે કેટલા પૈસા કમાવ છો તે અગત્યનું નથી, પણ લોકોનું જીવન તમે કેટલું બદલી શકો છો ત અગત્યનું છે.''
તેઓ કહે છેઃ ''અમારી પહેલી દીકરી જન્મી ત્યારે થોડી થોડીવારે તેનાં વસ્ત્રો અને સુવાની વ્યવસ્થા ચકાસતા હતા. અમારી બાળકીના શ્વાસોચ્છ્વાસ ચાલે છે કે નહીં તે પણ જોઈ લેતા હતા. કોઈ મળવા આવે તો ગૌરવપૂર્વક અમારી દીકરીઓ તેમના મિત્રોને બતાવતા હતા. મારા હસબન્ડ એ વખતે જેવા હતા તેવા આજે પણ છે. આજે તેઓ પ્રેસિડેન્ટ છે પરંતુ રોજ રાત્રે મારી અને મારી દીકરીઓ સાથે બેસીને રાતનું ડિનર લેવાનું પસંદ કરે છે. મારી દીકરીઓ અખબારોમાં છપાયેલા સમાચારો અને તેમની સ્કૂલની સખીઓએ પૂછેલા પ્રશ્નો વિશે કોઈ પૂછપરછ કરે તો તેઓ શાંતિથી તેમને જવાબ આપે છે. મોડી રાત સુધી તેઓ તેમના ટેબલ ઉપર બેસી આવેલા પત્રો ઝીણવટથી વાંચે છે. એમાં કેટલાંક એવા પણ પત્રો હોય છે જેમાં કોઈ ગરીબ વ્યક્તિએ કેન્સરથી મૃત્યુ તરફ ધસી રહેલી તેની પત્નીની દવાનું બિલ ભરવા માટે નાણાંની મદદ પણ માંગી હોય. ઈન્સ્યોરન્સ કંપની દર્દીને મદદ ના કરતી હોય ત્યારે એવા ગરીબો મારા પતિની મદદ માંગે છે. એ પત્રો વાંચતી વખતે મારા હસબન્ડની આંખોમાં દર્દ અને વેદના હું જોઈ શકું છું. એ પછી તેઓ મને કહે છે કે, 'મિશેલ ! આપણે લોકો માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. મને તેમની આંખોમાં નિર્ણયશક્તિ દેખાય છે. સંઘર્ષ કરતા લોકો માટેની આશા અને તેમની સુખાકારી માટેનાં સ્વપ્નો હું તેમની આંખોમાં જોઈ શકું છું. અને તેમની આ જ ચિંતા મારા હસબન્ડનું દરેક દિવસનું પ્રેરકબળ બની રહે છે.''
મિશેલ કહે છેઃ ''મારા હસબન્ડ વર્ષો પહેલાં મને ડેટ પર લઈ જવા માટે કાર લઈને આવતા હતા અને એ વખતે જેવા હતા તેવા જ આજે પણ છે. તેમને આજે પણ અમેરિકાના મધ્યમવર્ગના સંઘર્ષની, ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરવા નડી રહેલી ઊંચી ફીની, સ્ત્રીઓને પણ પુરુષો જેટલાં જ વેતન મળે તેની, તથા આરોગ્ય સેવાઓમાં સુધારાની ચિંતા છે. અમારી સફળતામાં શાળાના શિક્ષકોથી માંડીને સ્કૂલોને સ્વચ્છ રાખતા કર્મચારીઓનો પણ ફાળો છે. અમેરિકાના અર્થતંત્રને નવું સ્વરૂપ આપવાનો સવાલ આવે છે ત્યારે મારા હસબન્ડ, મારા ડેડ અને તેમના ગ્રાન્ડ ફાધર જેવી વ્યક્તિઓનો વિચાર કરે છે. બરાક ઓબામા માને છે કે, આપણા દાદા-દાદીઓને પોસાય તેવા ભાવે દવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. આપણાં બાળકો બીમાર પડે ત્યારે તેમને તબીબી સવલતો મળવી જોઈએ. તબીબી સારવારના અભાવે કોઈ મરવું ન જોઈએ. મારા હસબન્ડ મીડલકલાસ અમેરિકનોની તકલીફો અને સંઘર્ષને જાણે છે, કારણ કે એ બધી જ તકલીફો તેમને ભોગવી છે.''
શાર્લોટના વિશાળ ઓડિટોરિયમમાં બીજા અનેક વક્તાઓ હતા, પરંતુ સ્ટાર પ્રચારક તો મિશેલ ઓબામા જ હતાં. ઓડિટોરિયમમાં સ્ત્રીઓ હતી, આફ્રિકન- અમેરિકન્સ હતા. હિસ્પેનિક- અમેરિકન્સ હતા, વિવિધ દેશોમાંથી આવીને વસેલા અમેરિકનો તથા યુવાનો પણ હતા. ઈન્ડિયન અમેરિકન એકટર કેલપેન પણ હતા. પ્રભાવશાળી ઓડિયન્સને સંબોધતાં મિશેલ બોલ્યા હતાઃ ''મારા હસબન્ડને દરેક અમેરિકનનું શું ડ્રીમ છે તેની ખબર છે, કારણ કે તે ડ્રીમ બરાક ઓબામા પણ બચપણથી જોતા આવ્યા છે. તમે સહુ મારા હસબન્ડની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહો. આ દેશને કોઈ આગળ લઈ જઈ શકે તેમ હોય તો તે મારા હસબન્ડ, આપણા સહુના પ્રેસિડેન્ટ, પ્રેસિડેન્ટ બરાક ઓબામા જ છે.''
અને આ રીતે મિશેલ ઓબામાએ તેમના પતિ માટેની ચૂંટણી ઝુંબેશ શરૂ કરી. ચૂંટણી પૂર્વે લેવાયેલા લેટેસ્ટ ઓપિનિયન પોલમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બરાક ઓબામા તેમના પ્રતિસ્પર્ધી અને રિપબ્લિકન પક્ષના ઉમેદવાર મીટ રોમ્ની કરતાં સહેજ જ આગળ છે. અલબત્ત, અમેરિકાનું કથળતું અર્થતંત્ર અને છેલ્લા ૪૨ મહિના દરમિયાન વધેલી બેકારીના મુદ્દા તેમની મુશ્કેલીઓ છે. અગાઉની મહામંદી પછી આટલી બધી બેકારી બાદ કોઈ પ્રેસિડેન્ટ ફરી ચૂંટાયા નથી, છતાં બરાક ઓબામા આશાવાદી છે. બરાક ઓબામાના પ્રતિસ્પર્ધી મીટ રોમ્ની પૈસાદારોના પ્રતિનિધિ અને સ્વિસ બેંકોના પૈસા છુપાવતા હોવાના આરોપ થયેલા છે. સ્પર્ધા તીવ્ર અને કસોકસની છે. ઓબામા પાસે ટેરેરિસ્ટ ઓસામા બિન લાદેનને ખતમ કરી નાંખ્યો તે ચૂંટણીમાં કામ લાગે તેવો એક મહત્ત્વનો મુદ્દો છે
એ જ રીતે થયેલા બીજા એક સર્વેક્ષણ અનુસાર મિશેલ ઓબામા, તેમના પતિ બરાક ઓબામા, રિપબ્લિકન પક્ષના ઉમેદવાર મીટ રોમ્ની અને તેમનાં પત્ની એન કરતાં લોકપ્રિયતામાં વધુ ઊંચું રેટિંગ ધરાવે છે.
અમેરિકાના પ્રેસિડેન્ટની આ ચૂંટણીની બીજી નોંધપાત્ર ઘટના એ છે કે, ડેમોક્રેટિક પાર્ટીની ભીતર બરાક ઓબામા અને બિલ કિલન્ટન વચ્ચે સુમધુર સંબંધો ના હોવા છતાં બિલ કિલન્ટને જ ઓબામાના નામની દરખાસ્ત કરી. યાદ રહે કે, ૨૦૦૮ની ચૂંટણી વખતે ડેમોક્રેટિક પાર્ટીમાં પ્રમુખપદની ચૂંટણીની ટિકિટ લેવા માટે બરાક ઓબામા અને બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી કિલન્ટન આમનેસામને હતાં. વોટિંગમાં બરાક ઓબામા મેદાન મારી ગયા હતા. આ બીના બાદ બિલ કિલન્ટનનું મન ખાટું થઈ ગયું હતું. કિલન્ટને ઓબામા વિશે ઘસાતી ટીકા પણ કરી હતી પરંતુ બરાક ઓબામાએ હિલેરી કિલન્ટનને તેમના મંત્રીમંડળમાં સ્થાન આપી સંબંધો સુધારવાની પહેલ કરી હતી. બિલ કિલન્ટન આજે પણ અમેરિકામાં એક લોકપ્રિય રાજપુરુષ છે. મિશેલ ઓબામાએ તેમના પતિ માટે શાર્લોટમાં પ્રવચન કર્યું. તે ઓર્ડિયન્સમાં હિલેરી કિલન્ટન ગાયબ હતાં. પાર્ટીનાએ અધિવેશન વખતે હિલેરી કિલન્ટન પૂર્વ એશિયાના દેશોની ટૂર પર હતા. અલબત્ત શાર્લોટથી ૧૫,૦૦૦ કિલોમીટર દૂર ટીવી પર પોતાના પતિ શું બોલે છે તે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યાં હતાં. બની શકે કે હવે પછીની ચૂંટણીઓમાં હિલેરી ક્લિન્ટનને અમેરિકાના પ્રમુખ પદની ટિકિટ મળે.
- દેવેન્દ્ર પટેલ
No comments:
Post a Comment